સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણી કાયમ રસાકસીભરી રહે છે. ત્યારે આગામી વર્ષ 2026 માટેના હોદ્દેદારોની ચૂંટણી તા. 19 ડીસેમ્બરના રોજ યોજાનાર છે. જેમાં પ્રમુખ, 2 ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી સહીતના હોદ્દાઓ માટે ધારાશાસ્ત્રીઓ મતદાન કરશે. ચૂંટણીમાં ફોર્મનું વીતરણ આગામી તા. 05 ડીસેમ્બરથી શરૂ થનાર છે.
ગુજરાત રાજય બાર કાઉન્સીલ દ્વારા આગામી વર્ષ 2026 માટેના વકીલ મંડળના હોદ્દેદારોની ચૂંટણીની જાહેરાતો કરી દેવાઈ છે. જેમાં સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણી તા. 19 ડીસેમ્બરના રોજ યોજાનાર છે. સુરેન્દ્રનગર વકીલ મંડળની દર વર્ષે યોજાતી ચૂંટણી ભારે રસાકસીભરી રહેતી હોય છે. ત્યારે આ વર્ષે પણ ચૂંટણી જાહેર થતા અત્યારથી જ ઉમેદવારો પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણીમાં ચૂંટણી અધીકારી તરીકે રવિન્દ્રસિંહ ચુડાસમા અને સહાયક ચૂંટણી અધીકારી તરીકે યુવરાજસિંહ પરમારને મુકવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર વકીલ મંડળમાં અંદાજે 350થી વધુ વકીલો નોંધાયેલા છે. આ વકીલો તા. 19 ડીસેમ્બરના રોજ વર્ષ 2026 માટેના પ્રમુખ, મહીલા ઉપપ્રમુખ, પુરૂષ ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરીના પદના ઉમેદવારો માટે મતદાન કરશે. વકીલ મંડળની ચૂંટણીને લઈને કોર્ટ કેમ્પસમાં ગરમાવો આવી ગયો છે.










