સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પીટલના પાર્કીંગમાંથી તા. 20-11ના રોજ આરોગ્ય કર્મીનું બાઈક ચોરાયુ હતુ. ત્યારે આ બાઈક ચોરી કરનાર મુળ ચુડા તાલુકાના યુવકને એલસીબી ટીમે ઝડપી લઈ બી ડીવીઝન પોલીસના હવાલે કર્યો છે.


સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર આવેલ જયોતીનગર સોસાયટીમાં રહેતા 53 વર્ષીય કલ્યાણભાઈ ત્રીકમભાઈ પરમાર ચોટીલા તાલુકા હેલ્થ સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. તા. 20-11ના રોજ તેઓને ચોટીલા ફરજ પર જવાનું હોવાથી બાઈક મહાત્મા ગાંધી હોસ્પીટલના પાર્કીંગ એરીયામાં પાર્ક કરીને એસ.ટી.બસમાં ચોટીલા ગયા હતા. સાંજના સમયે પરત આવીને જોતા તેમનું બાઈક નજરે પડયુ ન હતુ. આથી આસપાસ તપાસ કરતા બાઈક ન મળી આવતા અંતે તેઓએ સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે રૂપીયા 15 હજારની કિંમતનું બાઈક ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાતા જ એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફે તપાસ આરંભી હતી. જેમાં અજયસિંહ, અશ્વીનભાઈ, મેહુલભાઈ સહિતનાઓએ બાઈક ચોરનાર મુળ ચુડા તાલુકાના કોરડાના અને હાલ વઢવાણ ગણપતિ ફાટસર પાસે રહેતા કૃણાલ રમેશભાઈ વાઘેલાને ચોરીના બાઈક સાથે ઝડપી લીધો હતો. આ શખ્સને સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસના હવાલે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.


  • Follow us on: