મૂળી તાલુકાના ખાખરાળાની સીમમાં કુવાની બહાર સેન્ડ સ્ટોન અને ફાયર કલેના ઢગલા ભરતા સમયે લોડર રીવર્સમાં લેતા સમયે લોડર સાથે બુધવારે બપોરે બે કલાકે ચાલક ખાડામાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારે તા. 8મીને શુક્રવારે સવારે 6 કલાકે તેની લાશ બહાર આવી છે. આ બનાવમાં લોડર લઈને કામ કરવા મોકલનાર કુખ્યાત ખાણ માફીયા વિઠ્ઠલ જાગા અને તેના 4 પુત્રો સહિત કુલ પાંચ સામે સાપરાધ માનવ વધનો ગુનો મુળી પોલીસ મથકે નોંધાયો છે.


મુળ મૂળી તાલુકાના ધોળીયા ગામના અને હાલ વગડીયામાં રહેતા 20 વર્ષીય અજયભાઈ કાનાભાઈ બાહકીયા વિઠ્ઠલ જાગા અલગોતરનું લોડર ચલાવી ડ્રાઈવીંગ કામ કરતા હતા. ગત તા. 6ના રોજ બપોરના સમયે ખાખરાળાની સીમમાં વિઠ્ઠલ જાગા અલગોતરના કહેવાથી ગેરકાયદેસર કુવાઓની બહાર આવેલ ફાયર કલે અને સેન્ડ સ્ટોનના ઢગલાઓ ભરવા અજયભાઈ ગયા હતા. આ ખનીજ ભરતા સમયે લોડર રીવર્સમાં લેતા અચાનક લોડર સાથે તેઓ કુવામાં ગરકાવ થઈ ગયા હતા. આ અંગેની જાણ થતા ચોટીલા પ્રાંત અધીકારીની ટીમ દોડી ગઈ હતી. અને તાત્કાલીક સુરેન્દ્રનગર અને રાજકોટ ફાયર વિભાગની ટીમ પણ દોડી ગઈ હતી. બનાવને 24 કલાક કરતા વધુ સમય થઈ જવા છતાં લાશ ન મળતા અંતે એનડીઆરએફની ટીમને જાણ કરાઈ હતી. જેમાં ગુરૂવારે રાત્રે એનડીઆરએફની ટીમ આવી હતી. અને લોડર સાથે હુક બાંધીને તેને ઉપર લેવાનો પ્રયત્ન કરતા ક્રેનના પટ્ટા તુટી ગયા હતા અને લોડર થોડે ઉપર પથ્થરોમાં ફસાઈ ગયુ હતુ. જેના લીધે લોડરની નીચે દબાયેલ અજયભાઈની લાશ તરીને બહાર આવી હતી. ત્યારબાદ એનડીઆરએફની ટીમે વહેલી સવારે સ્કુબા ડાઈવીંગ કરીને લાશને બનાવના 40 કલાક બાદ બહાર કાઢી હતી. અને લાશને મૂળી સરકારી દવાખાને પીએમ માટે લઈ જવાઈ હતી. આ બનાવની મૃતકના કાકા પ્રવીણ રામુભાઈ બાહકીયાએ મૂળી પોલીસ મથકે સાપરાધ માનવ વધની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયા મુજબ બનાવની જાણ થતા તેઓએ વિઠ્ઠલ જાગા અને તેમના પુત્રોને ફોન કર્યા હતા. પરંતુ તેઓએ ફોન ઉપાડયા ન હતા. અને બનાવની તેઓને જાણ હોવા છતાં પરીવારને જાણ ન કરી બનાવને દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. અને અજયને બચાવવા કોઈ પ્રયાસ કર્યા ન હતા. જુની કોલસાની ખાણો પાસે વાહનો કે માણસ પડી જવાની પુરી શકયતા હોવા છતાં કોઈપણ પ્રકારના સાધનો કે દેખરેખ રાખનાર માણસો વગર અજય પાસે લોડર ચલાવી તેનું મોત નીપજાવ્યુ હતુ. આથી મૂળી પોલીસ મથકે વિઠ્ઠલ જાગાભાઈ અલગોતર, તેના પુત્રો ગણપત વિઠ્ઠલભાઈ અલગોતર, જયેશ વિઠ્ઠલભાઈ અલગોતર, લાલા વિઠ્ઠલભાઈ અલગોતર અને હીરા વિઠ્ઠલભાઈ અલગોતર સામે સાપધરાધ માનવ વધની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પીઆઈ પી.બી.લક્કડ ચલાવી રહ્યા છે.


  • Follow us on: