ગંભીરા પુલની દુર્ઘટના બાદ રાજયભરમાં ઠેરઠેર બીસમાર પુલો વિશે ચર્ચા ચાલી રહી છે.


ત્યારે રાજયમાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બગોદરાથી લીંબડી તરફ ભોગાવા નદી પર આવતા પુલ પર મસમોટી તીરાડો છે. આ નેશનલ હાઈવે 4 લેનમાંથી 6 લેન કરાયા બાદ ખુટતી જગ્યા માટે નવો પુલ બનાવાયો હતો. અને નવા તથા જુના પુલના જોડાણ વચ્ચે હાલ તીરાડો પડી ગઈ છે. આ તીરાડો ગંભીર અકસ્માત સર્જે તેની તંત્ર રાહ જોઈ રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે દિવસ-રાત વાહનોથી ધમધમતા આ પુલ પર તીરાડોનુ સમારકામ તાકીદે થાય તેવી લોકમાંગ ઉઠી છે.

આણંદ અને વડોદરા જિલ્લા વચ્ચે મહીસાગર નદી પર આવેલો ગંભીરા બ્રીજ તાજેતરમાં ધરાશાયી થયો હતો. આ પુલ તુટયા બાદ સમગ્ર રાજયમાં બીસમાર પુલોના સર્વે અને તેના સમારકામ તથા નવીનીકરણનો સર્વે હાથ ધરાયો હતો. આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી કામગીરી કરતી સરકાર હજુ પણ રાજયમાં અનેક બીસમાર પુલો પ્રત્યે દુર્લક્ષ સેવી રહી છે. ત્યારે રાત દિવસ ધમધમતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બગોદરા-લીંબડી વચ્ચે આવેલ જીવલેણ સાબીત થઈ શકે તેવા પુલ તરફ તંત્રનું ધ્યાન જ ન હોય તેમ લાગી રહ્યુ છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ-રાજકોટ હાઈવે 4 લેનમાંથી 6 લેન કરાયો હતો. ત્યારે બગોદરાથી લીંબડી તરફ 1.5 કીમીના અંતરે ભોગાવા નદી પર આવેલ પુલને પણ પહોળો કરાયો હતો. 6 લેન હાઈવે પર કરવા માટે જુના પુલની બાજુમાં જ નવો પુલ બનાવાયો હતો. અને બન્ને પુલને જોડાણ આપી દેવાયુ હતુ. ત્યારે હાલ આ જુના તથા નવા પુલના જોડાણમાં મસમોટી તીરાડો પડી ગઈ છે.

અંદાજે 2 કીમીથી વધુ લંબાઈ ધરાવતો આ પુલ દિવસ રાત વાહનોથી ધમધમે છે. જેમાં નાના વાહનો સાથે ભારે ધરખમ ટેન્ડરો, ટ્રેલરો, કન્ટેનરો, પવનચક્કીનો સામાન ભરેલ વાહનો આ પુલથી પસાર થઈને છેક કંડલા બંદર સુધી જાય છે. ત્યારે આ તીરાડો ગંભીર અકસ્માત નોતરી શકે તેમ લાગી રહ્યુ છે. 2.5 કીમી લાંબા આ બન્ને પુલના જોડાણમાં રહેલ અમુક તીરાડો તો 10 ઈંચથી વધુની તીરાડો છે. જેમાંથી નીચે ભોગાવાનું પાણી ચોખ્ખુ નજરે પડે છે. ત્યારે આ તીરાડોમાં બાઈકનું વ્હીલ પુરેપુરૂ ફસાઈ શકે છે. આ ઉપરાંત અન્ય વાહનો પણ સ્લીપ થઈને અકસ્માત સર્જાઈ શકે છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરીટી આ અંગે ધ્યાન આપે અને તુરંત જરૂરી કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.


  • Follow us on: