સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકના ગેટ પાસે જ પોલીસ કર્મીને જાતી અપમાનીત કરી ધમકી આપ્યાની તાજેતરમાં પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આ કેસમાં પિતા-પુત્ર પર ખોટી રીતે ફરિયાદ થઈ હોવાની રાવ સાથે સમસ્ત બ્રાહ્મણ સમાજે બુધવારે સાંજે એસપીને લેખીત રજુઆત કરી એટ્રોસીટીની ફરિયાદ રદ્દ કરી પોલીસ કર્મીઓ પર કાર્યવાહીની માંગ કરી છે.
સુરેન્દ્રનગરમાં ચામુંડા મંડપ સર્વીસના નામે વ્યવસાય કરતા પિતા-પુત્ર વિપુલભાઈ રાવલ અને જેનીલભાઈ રાવલને તાજેતરમાં અરજીના કામે બી ડીવીઝન પોલીસ મથકે બોલાવાયા હતા. જેમાં પિતા-પુત્ર પીએસઆઈને રજુઆત કરતા તેઓએ ચુપ બેસ, મારે તારૂ કંઈ સાંભળવુ નથી, અમારા કામમાં અડચણ ન કરી તેમ કહ્યુ હતુ. જયારે પોલીસ મથકની બહાર એક પોલીસ કર્મીએ ખોટા કેસમાં ફસાવી દેવાના કાવતરા રૂપે દુર્વ્યવહાર કરી પિતા-પુત્ર સામે એટ્રોસીટીની ફરિયાદ ખોટી રીતે થઈ હોવાની રાવ સાથે સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા બુધવારે સાંજે એસપીને રજુઆત કરાઈ હતી. જેમાં યુવા બ્રહ્મ સંગઠ્ઠન, ફોટોગ્રાફર એસોસીયેશન, મંડપ એસોસીયેશન, કેટરર્સ એસોસીયેશન, ઔદિચ્ય બ્રહ્મ સમાજ સહિતની સંસ્થાઓ જોડાઈ હતી. આ રજુઆત અન્વયે એટ્રોસીટીની ફરિયાદ રદ્દ કરવા અને પોલીસ મથકના સીસીટીવી ફુટેજ નીહાળી જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરી પોલીસ રક્ષકમાંથી ભક્ષક ન બને તે માટે દાખલારૂપ કાર્યવાહીની માંગ કરાઈ છે.










