ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે નવુ આરોગ્ય કેન્દ્ર મંજુર થયુ છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી તેનું કામ ખોરંભે પડયુ છે. બીજી તરફ કર્મીઓ હજુ પણ જુના અને જર્જરીત આરોગ્ય કેન્દ્રમાં બેસે છે. જેને લીધે તેઓને અને દર્દીઓને જોખમ રહેલુ છે. આથી તાત્કાલીક નવુ આરોગ્ય કેન્દ્ર બનાવવા માંગ ઉઠી છે.


રાજય સરકારે ગ્રામ્ય પંથકોમાં થોડા વર્ષો અગાઉ ગ્રામ્ય પંથકોમાં નવા આરોગ્ય કેન્દ્રો મંજુર કર્યા હતા. જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં મંજુર થયેલા આરોગ્ય કેન્દ્રો નવા બનાવવાની કામગીરી ખોરંભે પડી છે. આ અંગે જિલ્લા પંચાયતની ગત સામાન્ય સભામાં પણ પ્રશ્ન ચર્ચાયો હતો. ત્યારે રાવળીયાવદર ગ્રામ પંચાયતના સરપંચે આ અંગે રાજયના આરોગ્ય મંત્રી ઋષીકેશભાઈ પટેલને લેખીત રજુઆત કરી છે. રાવળીયાવદરના સરપંચ રતીલાલ સારલાએ આ રજુઆતમાં જણાવાયા મુજબ નવા આરોગ્ય કેન્દ્ર બનાવવાનું કામ છેલ્લા 3 વર્ષથી અટકી પડયુ છે. બીજી તરફ જુના આરોગ્ય કેન્દ્રમાં હાલ ડોકટર અને સ્ટાફ બેસે છે અને દર્દીઓ ત્યાં જાય છે. આ જુના કેન્દ્રમાં અવારનવાર પોપડા છતમાંથી પડવાના બનાવો બને છે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં બાવળ અને ગંદકીનું પણ સામ્રાજય રહેલુ છે. આથી ગામ ખાતે નવા આરોગ્ય કેન્દ્રનું કામ તાકીદે પુરૂ કરાવવા માંગણી કરાઈ છે.


  • Follow us on: