સુરેન્દ્રનગર મહાનગરપાલીકામાં છેલ્લા 15 વર્ષથી કોન્ટ્રાકટ હેઠળ 350થી વધુ સફાઈ કામદારો કામ કરી રહ્યા છે. ત્યારે આ સફાઈ કર્મીઓને મનપામાં સમાવી લઈ કાયમી કર્મચારીનો દરજ્જો આપવાની માંગ સાથે કમીશ્નરને લેખીત રજુઆત કરાઈ છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલીકા અગાઉ સંયુકત નગરપાલીકા હતી ત્યારથી સફાઈ કામદારો કાયમી અને કોન્ટ્રાકટ હેઠળ ફરજ બજાવે છે. જેમાં 150 કાયમી સફાઈ કામદારો છે. જયારે 350થી વધુ કોન્ટ્રાકટ હેઠળ છે. છેલ્લા 15 વર્ષથી કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા સફાઈ કામદારોને હવે જયારે મહાનગરપાલીકા બની છે ત્યારે મહાનગરપાલીકાના વર્ગ-4ના કાયમી કર્મચારીઓ તરીકે સમાવેશ કરવાની માંગ સાથે ગુજરાત રાજય કર્મચારી સંઘ દ્વારા મહાનગરપાલીકાના કમીશ્નર ડો. નવનાથ ગવ્હાણેને લેખીત રજુઆત કરાઈ છે. સંઘના મયુરભાઈ પાટડીયા સહિતનાઓના જણાવાયા મુજબ કોન્ટ્રાકટ હેઠળ કર્મીઓનું શોષણ થાય છે.










