સુરેન્દ્રનગર શહેરમાં રાજકોટ તરફથી મોરબીના પુલ પર થઈને શહેરમાં પ્રવેશતા જ અજરામર ટાવર આવેલો છે. શહેરની શાન ગણાતા આ ટાવર પરની ચારે તરફની ઘડિયાળ છેલ્લા એક માસ કરતા વધુ સમયથી બંધ છે. ત્યારે બંધ ઘડિયાળ વાળા ટાવરમાં મનપા આગામી સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રોશની પણ કરનાર છે. ત્યારે ભવ્ય ભુતકાળ ધરાવતા આ ટાવરનો હાલ કંગાળ વર્તમાન ચાલી રહ્યો છે. સુરેન્દ્રનગર શહેર અંગ્રેજોના સમયમાં કેમ્પ સ્ટેશન તરીકે ઓળખાતુ હતુ.
અંગ્રેજોના સમયમાં વર્ષ 1872માં અંગ્રેજ અમલદાર જોર્ડન દ્વારા આ ટાવર બાંધવામાં આવ્યો હતો. બાદમાં 2021ના વિનાશક ભુકંપમાં આ ટાવર જર્જરિત થયો હતો. આથી તેને તોડી પડાયો હતો. અને નવો ટાવર બનાવી તેને અજરામર ટાવર નામ અપાયુ હતુ. અગાઉના સમયમાં ગામડાઓમાંથી આવતા લોકો માટે સુરેન્દ્રનગર હટાણાનું સ્થાન હોવાથી અને ઘડીયાળોનું ચલણ ઓછુ હોવાથી આ ટાવર લોકઉપયોગી હતો.
અગાઉ નગરપાલિકા હતી ત્યારે અને હવે મહાનગરપાલિકા બની ત્યારે શહેરના સ્થાપના દિન એટલે કે, તા. 1લી ઓગસ્ટ, પ્રજાસત્તાક પર્વ તા. 26મી જાન્યુઆરી અને સ્વતંત્રતા પર્વ તા.15મી ઓગસ્ટ અને નુતન વર્ષના તહેવારોમાં ટાવરને રોશનીનો ઝળહળાટ કરવામાં આવે છે. ત્યારે તા.15મી ઓગસ્ટે મહાનગરપાલીકા બંધ ઘડીયાળવાળા ટાવરને રોશની કરશે એમ લાગી રહ્યુ છે. કેમ કે, ટાવરની ઘડિયાળો છેલ્લા એક માસ કરતા વધુ સમયથી બંધ હાલતમાં છે. વર્તમાન ચોમાસાની સીજનની શરૂઆતમાં ટાવર પર વીજળી પડતા તેની વીજ મોટર બળી ગઈ છે. અને સરકીટને પણ ભારે નુકશાન થયુ છે. સુરેન્દ્રનગર મહાનગરપાલીકા બન્યા બાદ ટાવરના વિકાસ પાછળ રૂપીયા 52 લાખના ખર્ચની જોગવાઈ કરાઈ છે. આ જોગવાઈ સમયે પણ શહેરીજનોમાં ગણગણાટ જોવા મળતો હતો કે, 52 લાખમાં તો આ ટાવર આખો ફરીથી નવો બની જાય તેમ છે. જાણકારોના જણાવાયા મુજબ ટાવર ઘડીયાળની ચારે ઘડીયાળ એક સાથે કાર્યરત હોય છે. કોઈ એક ઘડિયાળ બંધ થાય તો ચારે ઘડિયાળ બંધ થઈ જાય છે. ત્યારે રોશનીનો ઝગમગાટ કરતા પહેલા ટાવરની ઘડિયાળો ચાલુ કરાય તેવી માંગ ઉઠી છે.