સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથક થાનમાં રહેતા યુવાને એક પરિણીતા સાથે પ્રેમસબંધ હોઈ મૈત્રી કરાર કર્યા હતા. ત્યારે આ મુદ્દે પરિણીતાના પતિ સહિત 4 શખ્સોએ યુવાનના મોટાભાઈને મારી નાંખવાની ધમકી આપ્યાની થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ થાનના ફુલવાડી વિસ્તારમાં 30 વર્ષીય અરવિંદભાઈ રામજીભાઈ કહોદરીયા રહે છે. તેઓ હીટરનગરમાં રાહુલ હીટર પ્લેટ નામનુ કારખાનું ચલાવી પરીવારનું ગુજરાન કરે છે. તેમના નાના ભાઈ રાહુલને શ્રાવણ સોસાયટીમાં રહેતા મહીપતભાઈ સુરાભાઈ સારલાની પત્ની સાથે પ્રેમસબંધ હતો. આથી તા. 25 જુલાઈના રોજ બન્નેએ મૈત્રી કરાર કરી લીધા છે. અને હાલ બન્ને કયાં છે તેઓની અરવિંદભાઈની જાણ નથી. તા. 29 જુલાઈના રોજ સાંજે અરવિંદભાઈ કારખાને કામ કરતા હતા. ત્યારે મહીપત સુરાભાઈ સારલા, નવઘણ સુરાભાઈ સારલા, ઈગા નાનજીભાઈ દેથળીયા અને મહીપતના મોટાબાપુ આવ્યા હતા. આ શખ્સોએ અરવિંદભાઈ સાથે બોલાચાલી કરી તારો નાનો ભાઈ કયાં છે ?તેને તું હાજર કરી નાંખ નહીતર તને મારી નાંખીશુ તેમ કહી અપશબ્દો કહ્યા હતા. અને 24 કલાકમાં બન્નેને હાજર કરજે નહીતર કામધંધો નહી કરવા દઈએ, આ બન્ને ન આવે ત્યાં સુધી કારખાને આવતો નહી તેવી ધમકી આપી હતી. આ અંગે થાન પોલીસ મથકે ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એન.એમ.હેરમા ચલાવી રહ્યા છે.

Rajkot : નવનિર્મિત સાંઢિયા પુલની ઢીલી કામગીરી અને નબળા ફિનિશિંગ બદલ ચેતન કન્સ્ટ્રક્શન અને PMC ને કોર્પોરેશને ફટકારી નોટિસ









