ધ્રાંગધ્રામાં રહેતી યુવતી દુધ લેવા જતી હતી. ત્યારે એક યુવાને તું દરરોજ સુરેન્દ્રનગર જાય છે તેમ પુછયુ હતુ. આ બાબતે દિકરીના પિતાએ ઠપકો આપ્યો હતો. આ બાબતે તા. 4-8ને સોમવારે મોડી સાંજે યુવાન અને તેના ભાઈએ દિકરી, તેના માતા-પિતા પર છરી અને પાઈપ વડે હુમલો કરી પિતાનું મોત નીપજાવ્યુ છે. જયારે માતા-પુત્રીને ઈજા થતા સારવાર માટે સુ.નગર હોસ્પિટલમાં લઈ જવાયા છે.
ધ્રાંગધ્રાની તાલુકા સ્કૂલ પાસે આવેલ માતૃછાયા શેરીમાં 19 વર્ષીય ક્રીષ્નાબેન કલ્પેશભાઈ પારેખ રહે છે. તેઓ સુરેન્દ્રનગરની કોલેજમાં બીબીએનો બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ગત તા. 1-8ના રોજ સાંજે તેઓ ધાવડી માતાજીના ચોક નજીક દુધ લેવા ગયા હતા. ત્યારે બક્ષીશેરીમાં રહેતા ઉદય ટોટાલાલ વ્યાસે તેઓને ઉભા રાખી તું દરરોજ સુરેન્દ્રનગર જાય છે ? તેમ પુછયુ હતુ. આથી ક્રીષ્નાબેને તારે શું કામ છે. તેમ કહેતા ઉદયે પછી વાત એમ કહ્યુ હતુ. આથી ક્રીષ્નાબેન દુધ લઈને ઘરે ગયા હતા. અને તેના પિતા કલ્પેશભાઈને વાત કરી હતી. જેમાં કલ્પેશભાઈએ ઉદયને ઠપકો આપ્યો હતો. જયારે ગત તા. 4-8ના રોજ સાંજે 8 કલાકના સમયે ફરી ક્રીષ્નાબેન અને તેમના માતા નીશાબેન ધાવડી ચોકમાં દુધ લેવા જતા હતા. ત્યારે રસ્તામાં ઉદય ટોટાલાલ વ્યાસ અને તેનો ભાઈ પાર્થીવ ટોટાલાલ વ્યાસ ઉભા હતા. આથી નીશાબેને ઉદયને તેં મારી દિકરીને ઉભી રાખી તેનું નામ કેમ લીધું તેમ કહી લાફો માર્યો હતો. આ બાબતે બંને ભાઈઓ ઉશ્કેરાયા હતા. આ સમયે કલ્પેશભાઈ પણ આવી જતા દેકારો થયો હતો. અને બંને ભાઓએ છરી અને પાઈપથી દંપતી અને પુત્રીને આડેધડ ઘા કરી માર માર્યો હતો. જેમાં લોકો એકઠા થઈ જતા બન્ને ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતા તબીબોએ કલ્પેશભાઈને મૃત જાહેર કર્યા હતા.










