ધ્રાંગધ્રા તાલુકાના જશમતપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પુત્રને ફેંકી પિતાએ પણ કેનાલમાં પડતુ મુકતા ગ્રામજનોએ આખી રાત શોધખોળ આદરી હતી. પરંતુ બંનેનો પત્તો લાગ્યો ન હતો.
ધ્રાંગધ્રા તાલુકાના જશમતપુર ગામના મહેશભાઇ ઠાકોર પોતાના પુત્રને બાઇક ઉપર કેનાલ પાસે લઇને આવી બાઇક પાર્ક કર્યુ હતુ.બાજુના ખેતરમાં કામ કરતા લોકોએ બાઇક પાર્ક કરતા પણ જોયા અને કાઇ સમજ પડે એ પહેલા જ નાના 7 વર્ષના પુત્રને પહેલા કેનાલમાં ફેંકી દીધો અને ત્યાર બાદ મહેશભાઇએ પણ કેનાલના પાણીમાં ઝંપલાવી દીધુ હતુ. ખેતરમાં કામ કરતા લોકો તાત્કાલીક દોડી ગયા પરંતુ ત્યાં સુધીમાં તો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.આ બાબતની ગામમાં જાણ કરતાની સાથે જ ફાયરબ્રિગેડને જાણ કરતા તાત્કાલીક ટીમ કેનાલ ઉપર પહોચી હતી. પરંતુ પિતા પુત્રની ભાળ મળી નહોતી.આ બાબતે ઠાકોર સમાજના ચકુભાઇ અને દશરથભાઇ સહિતનાએ જણાવેલ કે કેનાલમાં પાણી ઓછુ કરવા ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને સાસંદ બંને જાણ કરી હતી.પરંતુ પાણી ઓછુ ન થતા આખા ગામના લોકો આખી રાત કેનાલ ઉપર રઝળતા રહયા હતા.ત્યાર બાદ ડેપ્યુટી કલેકટરે જણાવેલકે બપોર બાદ પાણી ઓછુ થવા લાગશે ઉપર સુચના આપી દીધી છે. આમ આવી ગંભીર ઘટના સમયે પણ ધારાસભ્ય તાત્કાલીક દોડી આવવાની વાત તો ઠીક પરંતુ કેનાલમાં રાતોરાત પાણી ઓછુ કરાવવા પણ મદદ નહી કરતા લોકોએ રોષ ઠાલવ્યો હતો. હાલ તરવૈયા અને ધ્રાંગધ્રા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ ચાલુ રખાઇ છે.










