મૂળી તાલુકાના સરલા ગામે વરસાદી પાણી રસ્તા પર ભરાતુ હોય માટી નાંખવા બાબતે મારામારી થઈ હતી. જેમાં ત્રણને ઈજા પહોંચતા દવાખાને લઈ જવાયા હતા. આ બનાવની એક મહિલા સહિત કુલ ત્રણ સામે મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મૂળી તાલુકાના સરલા ગામે આવેલ સુજાનગઢ રોડ વિસ્તારમાં 23 વર્ષીય હિતેશ જનકભાઈ ધારવા રહે છે. તેઓ પિતાને લુહારીકામમાં મદદ કરે છે. ચોમાસાના લીધે તેમના ઘર પાસે બજારમાં વરસાદી પાણી ભરાતુ હોય તેઓ ગત તા. 9-7ના રોજ સાંજના સમયે માટી નાંખી વ્યવસ્થીત કરતા હતા. જેમાં રોડ નજીક પ્લીન્ટ સુધીનું મકાન બનાવનાર નારાયણ ઠાકરશીભાઈ મોટાલબકામણા, તેમના પત્ની મનીષાબેન નારાયણભાઈ મોટાલબકામણા બન્ને બાઈક લઈને આવ્યા હતા અને અમારા પ્લોટ પાસે માટી કેમ નાંખો છો તેમ કહેતા જનકભાઈએ વરસાદી પાણી ભરાતા ચાલવામાં તકલીફ પડતી હોય માટી નાંખીએ છીએ તેમ કહ્યુ હતુ. બાદમાં નારાયણે ફોન કરી તેના ભાઈ હરીકૃષ્ણ ઠાકરશીભાઈ મોટાલબકામણાને બોલાવ્યો હતો. અને ત્રણેયે અપશબ્દો કહી તમારાથી અહીં માટી ન નંખાય, પાણીમાં ચાલીને આવવા-જવાનું તેમ કહી ધારીયા, છરી વડે હુમલો કર્યો હતો. જેમાં હીતેશભાઈ ધારવા, તેમના દાદા નવીનભાઈ અને દાદાના દીકરા અમૃતભાઈ નવીનભાઈને ઈજા થતા સારવાર માટે તુરત જ નજીકના દવાખાને લઈ જવાયા હતા. આ અંગે મૂળી પોલીસ મથકે મહિલા સહિત કુલ ત્રણ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ બીટ જમાદાર જી.એસ.મકવાણા ચલાવી રહ્યા છે.










