વઢવાણનો યુવાન ગત તા. 2જીના રોજ રાત્રે બાઈક લઈને તેના પિતરાઈ ભાઈને લેવા જતો હતો. ત્યારે એક વર્ષ પહેલા થયેલા બોલાચાલીનું મનદુઃખ રાખી 4 શખ્સોએ પાઈપ અને લાકડાના ધોકા વડે તેના પર જીવલેણ હુમલો કર્યાની બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
વઢવાણના મુળચંદ રોડ પર આવેલ રામનગરમાં રાકેશ રાજેશભાઈ પઢીયાર રહે છે. તેને એકાદ વર્ષ પહેલા ઘર પાસે બાઈક મુકવા બાબતે હર્ષદ રમણભાઈ સારલા સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતે બન્ને વચ્ચે મનદુઃખ ચાલતુ હતુ. તા. 2-8ના રોજ રાત્રે રાકેશભાઈ બાઈક લઈને તેમના પિતરાભાઈ ભાઈ લખતર રહેતા મહીર પ્રવીણભાઈ પઢીયારને લેવા જતા હતા. ત્યારે સહજાનંદ રેસીડેન્સી પાસે હર્ષદ સારલા, મોનીલ વાણીયો અને 2 અજાણ્યા શખ્સો 2 બાઈક પર આવ્યા હતા. અને ધોકા અને પાઈપ વડે રાકેશભાઈને માર મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવમાં રાકેશભાઈને સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જયાં હાલ તેઓ આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે. બનાવની ઈજાગ્રસ્તના કાકા પ્રવીણભાઈ પઢીયારે ચારેય આરોપીઓ સામે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ એમ.એચ.પઠાણ ચલાવી રહ્યા છે.










