સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાંથી ધર્મના નામે લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાઈબીજના પવિત્ર તહેવારના દિવસે હરિદ્વારની પવિત્ર યાત્રાએ જવા માટે અંદાજે 400 જેટલા શ્રદ્ધાળુઓ સાથે ઠગાઈ કરવામાં આવી છે. ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા પ્રત્યેક વ્યક્તિ દીઠ 4,૨00 રૂપિયા જેટલી માતબર રકમ ઓનલાઇન ભરાવીને હરિદ્વાર લઈ જવાની લાલચ આપવામાં આવી હતી, પરંતુ નિર્ધારિત સમયે સંચાલકો પોતાના વચનથી ફરી ગયા હતા અને લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

મોબાઈલ બંધ આવતા છેતરાયા હોવાનું માલુમ પડ્યું

આયોજન મુજબ યાત્રાએ જવાનું હોવાથી શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ પોતાના સામાન અને થેલાઓ સાથે બસની રાહ જોઈને બેસી રહ્યા હતા. લાંબો સમય વીતી જવા છતાં જ્યારે બસ આવી નહીં અને મુસાફરોએ જવાબદાર ટ્રાવેલ્સ સંચાલકોના નંબરો પર ફોન જોડ્યા ત્યારે તમામના ફોન સ્વિચ ઓફ આવતા ભોગ બનનાર લોકોને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. તહેવારના દિવસે જ આ પ્રકારે શ્રદ્ધા સાથે ચેડા થતાં યાત્રાળુઓની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ હતી અને પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા.

પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

ધરમના નામે થયેલી આ અમીર-ગરીબ સૌ કોઈની છેતરપિંડીથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. મોટી સંખ્યામાં વૃદ્ધો, મહિલાઓ અને યુવાનો પોતાના સામાનના થેલાઓ સાથે સુરેન્દ્રનગરના એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને પોલીસ સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી હતી. લોકોની ભીડને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક ધોરણે ભોગ બનનાર નાગરિકોની અરજી અને ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. તેમજ આ ઠગ ટ્રાવેલ્સ સંચાલકોને શોધી કાઢવા માટે સાયબર સેલ અને પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Vadodaraના આકાશમાં ગુંજશે ભારતીય વાયુસેનાનો જયઘોષ, 'સારંગ' ટીમની સાહસિક ઉડાનથી સર્જાશે અવિસ્મરણીય નજારો