ધ્રાંગધ્રા વિસ્તારમાં ખનીજચોરી બંધ કરાવવા માટે ડેપ્યુટી કલેકટર સતત ચેકીંગ કરી વાહનો ઝડપી રહયા છે ત્યારે એમનુ લોકેશન ટ્રેસ કરવા માટે ખનીજમાફીયાની ટીમના લોકો રાત્રે તેઓના ઘરની આજુબાજુ સતત રેકી કરતા હોવાથી જોખમ તોળાતા ડેપ્યુટી કલેકટરે ડીવાયએસપીને કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા વિસ્તારમાં રાજપર,વાવડી અને રાજગઢ સહિતના વિસ્તારમાં મોટાપાયે ગેરકાયદેસર પથ્થરની ખનીજચોરી થઇ રહી છે.ત્યારે કલેકટર રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર હર્ષદીપ આચાર્યએ ખનીજચોરી અટકાવવા માટે સતત ચેકીંગ ચાલુ રાખી ગેરકાયદેસર પથ્થરો ભરેલી ટ્રકો,ટ્રેકટર ઝડપી કડક કાર્યવાહી હાથ ધરી છે.જેના કારણે ખનીજમાફીયાઓ ભારે અકળાતા ડેપ્યુટી કલેકટર ઓફીસથી નીકળે ત્યારથી આખી રાતનું લોકેશન ટ્રેસ કરવા ખનીજમાફીયાઓ બાઇક અને કાર લઇને ડેપ્યુટી કલેકટરની ઘરની સામેની સોસાયટીના ખુણે,ખોડીયાર અને હોલેન્ડ ટ્રેકટર સામે વાહનો પાર્ક કરી આખી રાત રેકી કરી રહયા છે.આ ગંભીર બાબતથી ડેપ્યુટી કલેકટર પરીવાર ઉપર જોખમ તોળાતા ડેપ્યુટી કલેકટર હર્ષદીપ આચાર્યએ રેકી કરતી જગ્યાએ પોલીસ પેટ્રોલીંગ ચાલુ કરી આવા તત્વોને ઝડપી કાર્યવાહી કરવાની ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર હર્ષદીપ આચાર્યને રજૂઆત કરી હતી.ડેપ્યુટી કલેકટરે સીટી પોલીસને તાત્કાલીક આદેશ કરતા સીટી પોલીસની ટીમ દ્વારા આજુબાજુમાં ફરતા શકમંદોની પુછપરછ કરવાનું ચાલુ કર્યુ છે જો આ જગ્યા ઉપરથી રાત્રે કામ વગર બેસનારા ખનીજચોરી સાથે સંકળાયેલા શખ્સો ઝડપાશે તો કડકમાં કડક કાર્યવાહી કરાશે એવુ સિટી પી.આઇ.એ જણાવ્યુ હતુ.










