સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા સતત વરસાદની આગાહી કરાય છે. પરંતુ વરસાદ જોઈએ તેટલો વરસતો નથી. ત્યારે રવીવારે જિલ્લાના દસેય તાલુકાઓમાં વરસાદની હાજરી જોવા મળી હતી.
છેલ્લે તા. 6ઠ્ઠી જુલાઈના રોજ દસેય તાલુકાઓમાં વરસાદ બાદ આવુ 48 દિવસ બાદ બન્યુ છે. રવિવારે જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધ્રાંગધ્રા પંથકમાં 39 મીમી એટલે કે, અંદાજે દોઢ ઈંચથી વધુ નોંધાયો છે. જયારે ચોટીલામાં પણ 1 ઈંચથી વધુ પાણી વરસ્યુ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી ઝાપટા રૂપે વરસાદ વરસે છે. તેમાં પણ આ વરસાદ અમુક તાલુકાઓમાં પડે છે. જયારે અમુક તાલુકાઓ કોરા રહે છે. ત્યારે તા. 24 ઓગસ્ટને રવીવારે સવારથી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અને સાંજ સુધીમાં જિલ્લાની દસેય દિશાઓમાં એટલે કે, દસેય તાલુકાઓમાં વરસાદની હાજરી જોવા મળી હતી. ઝાલાવાડમાં ગત તા. 6 જુલાઈના રોજ સવારે 6 કલાકથી તા. 7 જુલાઈના રોજ સવારે 6 કલાક સુધી દસેય તાલુકાઓમાં વરસાદ નોંધાયા બાદ આવી ઘટના 48 દિવસ બાદ બની છે. રવીવારે જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધ્રાંગધ્રા તાલુકામાં નોંધાયો છે. જેમાં ધ્રાંગધ્રામાં સવારથી સાંજ સુધીમાં 39 મીમી એટલે કે, દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ધ્રાંગધ્રામાં વરસાદની શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. જયારે ચોટીલામાં પણ 1 ઈંચથી વધુ 28 મીમી વરસાદ દિવસભરમાં પડયો છે. આ ઉપરાંત દસાડામાં રર મીમી, ચુડામાં 10 મીમી વરસાદ નોંધાયો છે. જયારે સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં બપોરના સમયે 1 વરસાદી ઝાપટુ આવીને વરસી ગયુ હતુ. વરસાદને લીધે દિવસભર વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. હવામાન વિભાગ દ્વારા ઝાલાવાડમાં હજુ આગામી તા. 30મી ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગાહી મુજબ જિલ્લામાં વરસાદ વરસે અને મેઘરાજા જિલ્લાને તરબોળ કરે તેવી લોકોની લાગણી છે.