સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ગોમટા ગામમાં લોકોને મોડી રાત્રે ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ગામમાં અંદાજે 60થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ થતા દોડધામ મચી હતી, ઘરના વાસ્તુ પ્રસંગમાં છાશ પીધા બાદ પરિવારજનો સહિત પ્રસંગમાં આવેલ લોકોની તબિયત લથડી હોવાનું અનુમાન છે તો ભોગ બનનાર લોકોને લીંબડી તેમજ વઢવાણ સહિતની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, આ બનાવને પગલે આરોગ્ય તંત્રના અધિકારીઓ સહિતનાઓએ હોસ્પિટલ તેમજ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથધરી.
ખોરાક ક્યારે બગડે છે?
જ્યારે તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે. કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે 37 ડિગ્રીથી વધુ તાપમાન બેક્ટેરિયાને મારી શકે છે.
ફૂડ પોઈઝનિંગના લક્ષણો
ડોક્ટરના જણાવ્યા મુજબ, કોઈપણ વસ્તુ ખાધા પછી પેટમાં તીવ્ર દુખાવો, ઉલ્ટી, અપચો, માથાનો દુખાવો, અતિશય થાક, નબળાઈ અને તાવ જેવા કોઈપણ લક્ષણો ફૂડ પોઈઝનિંગના લક્ષણો હોઈ શકે છે. ફૂડ પોઈઝનિંગ કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ આ સમસ્યાઓ બાળકોમાં વધુ જોવા મળે છે.
ફૂડ પોઇઝનિંગ એક પ્રકારનો ચેપ
ફૂડ પોઈઝનિંગ એક પ્રકારનો ચેપ છે જે બેક્ટેરિયા અને વાયરસ દ્વારા ફેલાય છે. જ્યારે બેક્ટેરિયા ધરાવતો ખોરાક ખાવામાં આવે છે, ત્યારે આ બેક્ટેરિયા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને બહાર કાઢે છે. તે પાચનક્રિયાને બગાડે છે. મોટાભાગના ફૂડ પોઈઝનિંગ ગંદા પાણી પીવાથી, એક્સપાયર થયેલ પેકેજ્ડ ફૂડ, ખૂબ લાંબો સમય રાંધવામાં આવેલો ખોરાક ખાવાથી થતા હોય છે. જ્યારે તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે.
ઉનાળામાં ફૂડ પોઇઝનિંગ સૌથી વધુ થાય છે
ઉનાળાની ઋતુમાં ફૂડ પોઇઝનિંગના મામલા વધુ સામે આવતા હોય છે. ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.ઉનાળાની ઋતુમાં હવા સાથે બેક્ટેરિયા પણ આવે છે અને તે પોતાની સાથે અનેક પ્રદૂષકો પણ લાવે છે. જેના કારણે ક્યારેક આપણી રોગપ્રતિકારક શક્તિ પણ બગડી જાય છે. ઉનાળામાં જો ખોરાક તરત જ ન ખાવામાં આવે તો તે ઝેરી પણ બની શકે છે અને બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી વધે છે.









