સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રેલવે સ્ટેશનના હાથ ધરાયેલા નવીનીકરણના કામમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયો અનુસાર, ટ્રકમાંથી વિશાળ અને ભારે પથ્થરો નીચે ઉતારતી વખતે બાજુમાં જ નાના બાળકો રમી રહ્યા હતા. કોઈ પણ પ્રકારની સુરક્ષા કે બેરિકેડ વગર હાથ ધરાયેલા આ કામ દરમિયાન જો પથ્થર બાળકો પર પડે તો મોટી હોનારત સર્જાઈ શકે તેમ હતી, જેને પગલે કોન્ટ્રાક્ટર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

અગાઉની ઘટના અને મામલો દબાવવાના પ્રયાસ

ઉલ્લેખનીય છે કે, માત્ર ચાર દિવસ પહેલા જ ધ્રાંગધ્રાના આ જ નિર્માણાધીન રેલવે સ્ટેશનની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી, જેમાં કામ કરી રહેલા બે મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તે સમયે કોન્ટ્રાક્ટર દ્વારા સમગ્ર મામલા પર પડદો પાડીને બાબતને દબાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો.

સ્થાનિકોનો વિરોધ અને તપાસની માંગ

એક પછી એક સામે આવી રહેલી આવી ગંભીર લાપરવાહીને પગલે ધ્રાંગધ્રાના નાગરિકો અને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કોઈ માસૂમ બાળકને ઈજા પહોંચે તો તેનો જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઉઠાવીને સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે આ રેલવે સ્ટેશનના નવીનીકરણના કોન્ટ્રાક્ટર સામે કડક તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad News : ટ્રાફિક મેનેજમેન્ટનું નાટક કરી કોપર ચોરી, બોગસ AMC કર્મચારીઓની ટોળકી પકડાઈ