કેન્દ્ર સરકારે વર્ષ 2013માં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના અમલમાં મુકી છે. જેમાં સુ.નગર જિલ્લાની કુલ 540 સસ્તા અનાજની દુકાનો પરથી જરૂરિયાતમંદ પરિવારોને દર માસે ઘઉં, ચોખા સહિતનાઓનું વિતરણ થાય છે. ત્યારે તાજેતરમાં ઈન્કમટેકસમાં ફાઈલ થયેલા રીટર્ન પરથી સરકારે ડેટા એકત્ર કર્યો હતો. અને આ યોજના હેઠળ રૂ. 6 લાખથી વધુની વાર્ષીક આવક ધરાવતા નામોને અલગ તારવી નોટીસો આપવાની કાર્યવાહી આરંભાઈ છે. ઝાલાવાડમાં અત્યાર સુધી 4,035 રેશનકાર્ડ ધારકોને નોટીસો પાઠવાઈ ચૂકી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી સસ્તા અનાજની કાળા બજારી ફુલીફાલી છે. જિલ્લા પુરવઠા અધીકારી અને સીટી મામલતદારની ટીમ દ્વારા અવારનવાર રેડ કરીને સસ્તા અનાજની દુકાનનો જથ્થો સગેવગે થતો ઝડપાયો છે. આ બનાવમાં ઝડપાયેલા શખ્સોની પુછપરછમાં તેઓ રિક્ષા દ્વારા શહેરના અમુક વિસ્તારોમાં ઘરે ઘરે ફરીને આ જથ્થો કલેકટર કરતા હોવાનું તથા બીસ્કીટ બનાવતી કંપનીઓમાં વેચતા હોવાનું પણ સામે આવ્યુ છે. બીજી તરફ જિલ્લામાં પાત્રતા ન ધરાવતા હોવા છતાં અમુક લોકો સસ્તા અનાજનો જથ્થો લેતા હોવાની રાવ ઉઠી રહી છે. ત્યારે વર્ષ 2013માં અમલમાં આવેલ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજનામાં પાત્રતા ન ધરાવતા હોવા છતાં લાભ લેનાર લોકોને શોધી કાઢવા સરકારે ઈન્કમટેકસ વિભાગના ડેટાનો સહારો લીધો છે. જેમાં ભારત સરકારના આયકર વિભાગના સોફટવેરમાં વાર્ષીક 6 લાખથી વધુની આવક દર્શાવી દર વર્ષે રીટર્ન ફાઈલ કરનાર લોકોને તારવાયા હતા. આ લોકોમાંથી જેઓ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના હેઠળ લાભાર્થી હોય તેઓને જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા નોટીસો આપવાની કાર્યવાહીનો હાલ ધમધમાટ જોવા મળે છે. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી એ.જી.ગજ્જરે જણાવ્યુ કે, ઈન્કમટેક્સ વિભાગના ડેટા પરથી વાર્ષીક રૂ. 6 લાખથી વધુની આવક હોય, કોઈ વેપારી હોય અને 25 લાખથી વધુનું ટર્ન ઓવર ધરાવતા હોય અને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજનાનો લાભ લેતા હોય તેવા 4,035 રેશનકાર્ડ ધારકોને અત્યાર સુધીમાં નોટીસો પાઠવાઈ છે. જેમાં તેમનું નામ યોજનામાંથી બાકાત કેમ ન કરવુ તે અંગે પાંચ દિવસમાં વાંધો કે તકરાર હોય તો રજુ કરવા જણાવાયુ છે. જેમ જેમ આયકર વિભાગમાંથી ડેટા મળતો રહેશે તેમ તેમ હજુ આ નોટીસો આપવાની કાર્યવાહી ચાલુ રહેનાર છે.










