સાયલા તાલુકાના ધારાડુંગરી અને ચોટીલાના સાલખડામાં પોલીસે દેશી દારૂની અને દસાડાના છાબલીમાં પોલીસે વિદેશી દારૂની રેડ કરી હતી. આ ત્રણેય બનાવમાં દારૂ ઝડપાયો હતો. પરંતુ આરોપી હાજર ન હતા. જયારે સુરેન્દ્રનગરની રણછોડ મીસ્ત્રીની ચાલીમાંથી 1 શખ્સ દારૂની 1 બોટલ સાથે પકડાયો હતો.


સાયલા 5ીએસઆઈ ડી.ડી.ચુડાસમા સહિતનાઓને શનીવારે રાત્રે પેટ્રોલિંગ દરમીયાન ધારા ડુંગરી ગામની સીમમાં કુકા દેવાભાઈ ઉગરેજાના ખેતરમાં પ્રવીણ દેવાભાઈ ઉગરેજા, વિપુલ વિનાભાઈ ઉગરેજા અને વિજય સુખાભાઈ સારલા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યા ન હતા. જયારે પોલીસે 6,050 લીટર દારૂ બનાવવાનો આથો કિંમત રૂ. 1,51,250, 280 લીટર દારૂ કિંમત રૂ. 56 હજાર, 1400 કિલો અખાદ્ય ગોળ કિંમત રૂ. 42 હજાર, દારૂ સપ્લાયમાં વપરાતી રૂ. 3.50 લાખની પીકઅપ કાર સહીત રૂ. 5,99,250નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ અંગે પ્રોહીબીશન મુજબ ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. જયારે સુરેન્દ્રનગર એલસીબી ટીમને ચોટીલા તાલુકાના સાલખડા ગામે રહેતો ખોડુ ગભરૂભાઈ વિકમા તેના રહેણાક મકાનમાં દેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે તેના ઘરમાંથી 430 લીટર દેશી દારૂ કિંમત રૂપીયા 86 હજાર, દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાનાર અખાદ્ય ગોળના 60 નંગ ડબ્બા કિંમત રૂપીયા 9300 સહિત રૂપીયા 95,300નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. બીજી તરફ બજાણા પોલીસ મથકના પીઆઈ એમ.બી.બામ્બા, મેહુલભાઈ પાણકુટા સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન છાબલી ગામે રહેતો વિનોદ મનજીભાઈ બારૈયા તેના રહેણાક મકાન પાછળ વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે દારૂની 8 બોટલ કિંમત રૂપીયા 8800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી સામે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરાઈ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરની બહુચર હોટલ પાસે આવેલ રણછોડ મીસ્ત્રીની ચાલીમાંથી રીયાસતઅલી ઓમરઅલી મુલ્લા દારૂની 1 બોટલ કિંમત રૂ. 375 સાથે પકડાયો હતો.


  • Follow us on: