સુરેન્દ્રનગર જિલ્લામાં જુગારની બદીને નાથવા પોલીસે અલગ-અલગ છ સ્થળે રેડ કરી હતી. જેમાં 27 જુગારીયાઓ રોકડ, મોબાઈલ સહિત રૂ. 1,33,450ની મત્તા સાથે પકડાયા છે.


સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી ચૂડા તાલુકામાં પેટ્રોલિંગ કરી રહેલ સ્ટાફની ટીમના પ્રવીણ કોલા, ભરતભાઈ સભાડ સહિતનાઓને જોબાળા ગામે ઠાકરના મંદિર પાસે જાહેરમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ઘનશ્યામ કરમશીભાઈ લીંબડીયા, રાહુલ બાબુભાઈ શેખ, અશોક તળશીભાઈ તરવાણી, ઘનશ્યામ કુબેરભાઈ શેખ, મેહુલ નટુભાઈ ઘલવાણીયા, મેરૂ ભકાભાઈ પરમાર, રવિન્દ્ર જેમલભાઈ કટુડીયા, રાહુલ નટુભાઈ ઘલવાણીયા અને કીશન અજીતભાઈ પરાલીયા ગંજીપાનાનો જુગાર રમતા પકડાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂ. 43,440, 6 મોબાઈલ ફોન સહિત કુલ રૂ.68,940ની મત્તા કબજે કરી ચુડા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. જયારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમને ચુલીથી પીપળી જવાના રસ્તે આવેલ સંજય કાળુભાઈ રોજારાની વાડીની ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં સંજય કાળુભાઈ રોજારા, અશ્વીન જગદીશભાઈ પટેલ, વિષ્ણુ જશરાજભાઈ પટેલ, અશોક ધનજીભાઈ આદ્રોલા, ભુપત ગોવિંદભાઈ કટેચીયા, ગણેશ શાર્દુળભાઈ સારદીયા ગંજીપાનાનો જુગાર રમતા ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂ. 46,050 કબજે કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

બીજી તરફ જોરાવરનગર પોલીસ મથકની સર્વેલન્સ ટીમના અશોકસીંહ પરમાર, યુવરાજસીંહ નકુમ, હરદેવસીંહ પરમાર સહિતનાઓએ બાતમીને આધારે વઢવાણ તાલુકાના મોટા મઢાદ ગામે રેડ કરી હતી. જેમાં ગંજીપાનાનો જુગાર રમતા અનીરૂધ્ધસીંહ ચંદ્રસીંહ સોલંકી, મહેન્દ્રસીંહ રાજેન્દ્રસીંહ રાઠોડ, અલ્પેશ જોરૂભાઈ ગાડલીયા અને અજય કાળુભાઈ રાઠોડ રોકડા રૂ. 10,860 સાથે પકડાયા હતા. આ ઉપરાંત ધ્રાંગધ્રા એપીએમસી સામે ખરાબામાં બાવળની આડમાં જુગાર રમતા ગંજીપાનાનો જુગાર રમતા રોહીત કરમશીભાઈ જારોલા, મેરૂ વિઠ્ઠલભાઈ વાઘેલા અને અશરફ કાદરભાઈ લધાણી રોકડા રૂ. 3500 સાથે પકડાયા હતા. અને સુરેન્દ્રનગર એલસીબી ટીમે મહેતા માર્કેટમાં આવેલ પારસ ટ્રાન્સપોર્ટ પાસે જાહેરમાં રમાતા જુગાર પર રેડ કરી હતી. જેમાં ગુડદી પાસાનો જુગાર રમતા પીન્ટુ મનસુખભાઈ કલાડીયા, રાકેશ જયંતીભાઈ ઓગણીયા, ભરત પ્રભુભાઈ ભાટીયા અને મુકેશ કનૈયાલાલ ચુવાળ પકડાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂ. 3 હજાર કબજે કરી ચારેય સામે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. લીંબડીની ખડપીઠ બજારમાં વરલી મટકાનો જુગાર રમતો ચુડા તાલુકાના જેપરનો રસીક મગનભાઈ પરમાર રોકડા રૂ.600 અને રૂ. 500ના મોબાઈલ સાથે પકડાયો હતો.


  • Follow us on: