સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી આવતો ઝરમર વરસાદ શુક્રવારે પણ યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના 7 તાલુકાઓમાં 3 મીમીથી લઈ 8 મીમી સુધી ઝરમર વરસાદ ઝાપટા સ્વરૂપે વરસ્યો છે. જયારે લખતર, દસાડા અને મુળી તાલુકા શુક્રવારે કોરા રહ્યા છે.
રાજયના હવામાન વિભાગ દ્વારા કરાતી વરસાદની આગાહીમાં દરરોજ સુરેન્દ્રનગરમાં હળવાથી મધ્યમ માત્રામાં વરસાદની શકયતા વર્તાય છે. પરંતુ મેઘરાજા જાણે પોતાનું ધાર્યુ કરતા હોય તેમ ઝાપટા વરસાવી જતા રહે છે. ત્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો ગુરૂવારે રાત્રે ધ્રાંગધ્રા તાલુકામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. જયારે શુક્રવારે સાંજના 6 કલાક સુધીમાં ચુડામાં 5 મીમી, ચોટીલામાં 8 મીમી, વઢવાણમાં 8 મીમી, સાયલામાં 3 મીમી, થાનમાં 6 મીમી, લીંબડીમાં 3 મીમી સરકારી ચોપડે નોંધાયો છે. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં પણ બપોર બાદ સુર્યનારાયણ આકાશમાં વાદળો પાછળ ઢંકાઈ ગયા હતા. અને કાળુ ડીબાંગ વાતાવરણ થયુ હતુ. અને હમણા વરસાદ તુટી પડશે તેમ લાગતુ હતુ.










