સુરેન્દ્રનગરની અલ્ટ્રાવીઝન સ્કુલથી એસ.એન.વિદ્યાલય સુધી બુધવારે સવારે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજના કરાયુ હતુ. વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલી આ યાત્રામાં મોટીસંખ્યામાં શાળાના છાત્રો જોડાયા હતા.
સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ, સંવર્ધન તેમજ પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી રાજયના શિક્ષણ વિભાગ, ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડના સંયુકત ઉપક્રમે રાજયવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવ યોજાઈ રહ્યો છે. ભારતીય સંસ્કૃતી અને સંસ્કૃત ભાષા ઉજાગર થાય તે માટે સુરેન્દ્રનગરની અલ્ટ્રાવીઝન સ્કુલથી એસ.એન.વિદ્યાલય સુધી બુધવારે સવારે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા શિક્ષણાધીકારી એ.એમ.ઓઝા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભદ્રરાજસીંહ વાઘેલા, શિક્ષણ નીરીક્ષક કે.એન.બારોટ, અલ્ટ્રાવીઝન સ્કુલના સંચાલક આનંદભાઈ પટેલ, એસ.એન.વિદ્યાલયના સુરેશભાઈ મોટકા, પીયુષભાઈ મહેતા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. વૈદીક મંત્રોચ્ચાર સાથે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં શાળાના છાત્રો જોડાયા હતા. આ યાત્રામાં કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્ની સહિતના સપ્તઋષિની વેશભુષામાં છાત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ઉપરાંત વેદ, ઉપનિષદો, પુરાણો, અરણ્યોનું પ્રદર્શન યોજાયુ હતુ. સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન મળે તે માટે રાજય સંસ્કૃત બોર્ડ દ્વારા પાંચ પ્રોત્સાહક યોજનાઓ લોન્ચ કરાઈ છે. જેમાં સંસ્કૃત સપ્તાહ ઉત્સવ યોજના અંતર્ગત સંસ્કૃત સપ્તાહ અને રક્ષાબંધનનો દિવસ સંસ્કૃત દિવસ તરીકે ઉજવવા, સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના અંતર્ગત વિવિધ સંસ્કૃત કાર્યક્રમો માટે સંસ્થાઓ, સંશોધકો અને શિક્ષકોને સંસ્કૃતના પ્રચાર માટે નાણાંકીય સહાય, સંસ્કૃત પ્રોત્સાહન યોજના અન્વયે માધ્યમીક કક્ષાએ સંસ્કૃત માટે વિદ્યાર્થી, શિક્ષક અને શાળાને પ્રોત્સાહન, શ્રીમદ્દ ભગવત ગીતા યોજના અંતર્ગત ગીત કંઠસ્થ કરવા માટે પ્રોત્સાહન અને શતમ સુભાષીત કંઠપાઠ યોજના અંતર્ગત નૈતીક મુલ્યોના સીંચન માટે 100 સુભાષીતો કંઠસ્થ કરવા સૌને પ્રોત્સાહન અપાયુ છે.










