સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થશે. ઝાલાવાડમાં તા. 26મીથી 28મી સુધી પ્રવેશોત્સવ યોજાશે. જેના માટે તાજેતરમા માળોદ રોડ પર ગુરૂકુળ ખાતે શાળાના આચાર્યોની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રવેશોત્સવ વિશે જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝા, શિક્ષણ નિરીક્ષક કે.એન. બારોટ, જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી ભદ્રરાજસીંહ વાઘેલા, નાયબ જિ. પ્રા. શિક્ષણાધિકારી બી.સી.પરમાર, વઢવાણ બીઆરસી કોર્ડીનેટર નરેશ બદ્રેશીયા સહિતનાઓ દ્વારા માહિતી અપાઈ હતી. ચાલુ વર્ષે પ્રવેશોત્સવ અંતર્ગત બાલવાટીકામાં 7796 કુમાર અને 7181 કન્યા મળી કુલ 14,977, ધો. 1માં 8,962 કુમાર અને 8505 કન્યા મળી કુલ 17,467 બાળકોને પ્રવેશ અપાશે. આજે મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા વઢવાણ તાલુકાના ખોડુ ગામે કુમાર-કન્યા પ્રાથમીક શાળા, પ્રમુખ સ્વામી મહારાજ માધ્ય. શાળા અને સરકારી ઉચ્ચતર માધ્ય. શાળામાં બાળકોને પ્રવેશ કરાવશે. આ ઉપરાંત જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ ધ્રાંગધ્રાના રાજચરાડી, મેથાણ અને ગંજેળામાં, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞીક સાયલાની શાળા નં. 4 અને 5 તથા કાશીપરા ગામે છાત્રોને પ્રવેશ કરાવશે.



  • Follow us on: