ધ્રાંગધ્રાના નરશીપરામાં બંધ મકાનને નીશાન બનાવી તસ્કરો ત્રાટકયા હતા. સોના-ચાંદીના ઘરેણા કિંમત રૂપીયા 6,58,500ની મત્તા ચોરાઈ હોવાની ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ધ્રાંગધ્રાના કોંઢ રોડ પરના નરશીપરાના દશામાના મંદીર પાસે દીપકભાઈ ઘનશ્યામભાઈ લકુમ રહે છે. તેઓ લખતર તાલુકાન કડુ ગામે આવેલ એમકયોર ફાર્મામાં નોકરી કરે છે. જયારે તેમના બાજુના ઘરમાં તેમના ભાઈ રહે છે જેઓ બાવળા નોકરી કરે છે. તા. 7મીએ રાત્રે તેમના ભાઈ હાજર ન હોય દીપકભાઈ પરીવાર સાથે તેમના ઘરે સુતા હતા. ત્યારે વહેલી સવારે તેમના મકાનમાં ચોરી થયાની જાણ થઈ હતી. આથી દીપકભાઈ સહિતનાઓએ જઈને તપાસ કરતા તીજોરી ખુલ્લી હતી અને તેનો સામાન વેરવિખેર પડયો હતો. જયારે તીજોરીમાં તપાસ કરતા તસ્કરો 3 તોલાનો સોનાનો હાર, 2 તોલાનો સોનાનો હાર, 1 તોલાની બુટી, સોનાનો ઓમ, નાકામાં પહેરવાનો દાણો, ચાંદીનો જુડો, કંદોરો સહિત રૂ. 6,58,500ની મત્તા ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીઆઈ એમ.યુ.મસી ચલાવી રહ્યા છે.










