સુરેન્દ્રનગર મહાનગરપાલીકાના સફાઈ કામનો કોન્ટ્રાકટ તાજેતરમાં જ અપાયો છે. જેમાં 400 સફાઈ કામદાર લેવાની શરત છે. પરંતુ આ 400માં 26 પટ્ટાવાળા લેવાયા છે. બીજી તરફ સપ્ટેમ્બર-2024માં છુટ્ટા કરાયેલા 45 સફાઈ કામદારો હજુ પણ ઘરે બેસી નોકરીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહીની માંગ સાથે કલેકટર અને કમીશ્નરને લેખીત રજુઆત કરાઈ છે.


સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકામાંથી મહાનગરપાલીકા બન્યા બાદ પણ સફાઈ કામદારોના પ્રશ્નો ઠેરના ઠેર રહ્યા છે. અનીયમીત પગાર, છુટ્ટા કરવાની લટકતી તલવાર વચ્ચે સફાઈ કામદારો કામ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર પાલીકા હતી ત્યારે ફેબ્રુઆરી-2024માં પાલીકાએ 45 સફાઈ કામદારોને છુટ્ટા કરતા પ્રતીક ધરણા કરાયા હતા. જેમાં સમાધાન બાદ દરેકને કામ પર પરત લેવાયા હતા. પરંતુ સપ્ટેમ્બર-2024માં ફરી તેઓને છુટ્ટા કરી દેવાયા હતા. ત્યારબાદથી જાન્યુઆરી-2025 અને માર્ચ-2025માં આ અંગે રજુઆતો કરાઈ છે. પરંતુ કોઈ ઉકેલ ન આવતા 27-11ના રોજ ગુજરાત રાજય કર્મચારી સંઘ દ્વારા મનપાના વહીવટદાર અને જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ અને મનપાના કમીશ્નર ડો. નવનાણ ગવ્હાણેને ફરી રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં ગુજરાત રાજય કર્મચારી સંઘના મયુરભાઈ પાટડીયા સહિતનાઓના જણાવાયા મુજબ મનપા દ્વારા તાજેતરમાં જ સફાઈ કામનો નવો કોન્ટ્રાકટ અપાયો છે. જેમાં 400 સફાઈ કામદારોની શરત છે. પરંતુ આ 400માંથી 26 વ્યકિતઓને પટ્ટાવાળા તરીકે લેવાયા છે. જે શરતનું ઉલ્લંઘન છે. બીજી તરફ 45 સફાઈ કામદારો છેલ્લા 1 વર્ષથી કામની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરી સફાઈ કામદારોની જગ્યાએ સફાઈ કામદારોની જ ભરતી થાય તેવી કાર્યવાહી કરવા રજુઆતના અંતે માંગ કરાઈ છે.


  • Follow us on: