રાજકોટમાં રહેતી વિધવા મહિલાના ઘરે ગત તા. 19મી જુનની રાત્રે ચોરી થઈ હતી. આ કેસમાં ઝડપાયેલા સુરેન્દ્રનગરના શખ્સે વધુ બે આરોપીના નામ આપ્યા હતા. આ કેસમાં ફરાર આરોપીને એલસીબી ટીમે વઢવાણમાંથી ચોરીના રૂ. 1 લાખ સાથે ઝડપી લીધો છે.
રાજકોટના ભગવતીપરામાં 50 વર્ષીય નીલાબેન મુકેશભાઈ ચૌહાણ તેમના બે સંતાનો સાથે રહે છે. તેમના પતિ વર્ષ 2019માં મરણ ગયેલ છે. તા. 19મી જુને તેમના ભાઈ નવા થોરાળામાં રહેતા મનુભાઈ કોશીયાના ઘરે માતાજીની બેઠક હોઈ તેઓ પરીવાર સાથે ત્યાં ગયા હતા. તા. 20મી જુને સવારે તેઓએ આવીને જોતા ઘરની ગેલેરીની બારીનો કાચ તુટેલો હતો. અને ગેલેરીનો દરવાજો ખુલ્લો હતો. જયારે તીજોરીનો સામાન અસ્તવ્યસ્ત હતો. આથી તપાસ કરતા તસ્કરો રોકડા રૂ. 9 લાખ, રૂ. 8.95 લાખના સોનાના આભુષણો અને રૂ. 40 હજારના ચાંદીના દાગીના લઈ ગયા હતા. આ અંગે તેઓએ તા. 20મી જુને રાજકોટ બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં રાજકોટ પોલીસે સુ.નગરના ભોલા કેશુભાઈ સરવૈયાને ઝડપી લીધો હતો. જેમાં તેની પાસેથી 15.69 લાખની મત્તા જપ્ત કરાઈ હતી. જેમાં તેની સાથે સુરેન્દ્રનગરનો રાકેશ પેથાભાઈ સરવૈયા અને મયુર નવઘણ મકવાણા ચોરીમાં સામેલ હોવાનું જણાવ્યુ હતુ. સુરેન્દ્રનગરની તસ્કર ગેંગે રાજકોટમાં ચોરીને અંજામ આપ્યાની વાત સામે આવતા ફરાર આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરાઈ હતી. જેમાં મયુર મકવાણા રાજકોટ પોલીસના હાથે ઝડપાયો હતો. બીજી તરફ એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના પીએસઆઈ રામદેવસીંહ ઝાલા, અજયસીંહ, મેહુલભાઈ, અશ્વીનભાઈ સહિતનાઓને આ ચોરીનો ફરાર આરોપી દુધરેજના વહાણવટીનગરમાં રહેતા રાકેશ પેથાભાઈ સરવૈયાને ચોરીના રોકડા રૂ. 1 લાખ સાથે વઢવાણ પોલીસ મથકની હદમાંથી ઝડપી લઈને સ્થાનીક પોલીસના હવાલે કર્યો છે. ઝડપાયેલા શખ્સ સામે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકે ચોરીના 7 ગુના નોંધાયા હોવાનું પણ સામે આવ્યુ છે.










