ચોટીલા તાલુકાના ઢોકળવા ગામના યુવાનને વર્ષ 2024માં પ્રેમ પ્રકરણ બાબતે સમાધાન માટે બોલાવી બળજબરીથી ઝેરી દવા પીવડાવી દોરી વડે ગળે ટુંપો દઈને હત્યા કરાઈ હતી. આ કેસમાં જેલવાસ ભોગવતા અને વચાગાળાના જામીન પર છુટી ફરાર થયેલ આરોપીને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે જસદણ ગ્રામ્યમાંથી ઝડપી લઈ જેલ હવાલે કર્યો છે.


ઢોકળવા ગામે રહેતા 55 વર્ષીય કરશનભાઈ ગોવિંદભાઈ સાનાણીનો પુત્ર લાખાભાઈ રાજકોટની કોલેજમાં અભ્યાસ કરતો હતો. વર્ષ 2024ના માર્ચ માસમાં તેને પરિક્ષા પુરી થઈ ગઈ હોવાથી વેકેશનમાં ઘરે આવ્યો હતો. લાખાભાઈને ગામની જ એક દિકરી સાથે પ્રેમ સબંધ હોઈ દિકરીના પરીવારજનો લાખાભાઈને દિકરી સાથે જોઈ જતા અગાઉ માથાકુટ થઈ હતી. ત્યારે ઢોકળવા આવેલા લાખાભાઈને દિકરીના કુટુંબીજનોએ તા. 5-3-24ના રોજ રાત્રે ગામની સીમમાં સમાધાન માટે બોલાવ્યો હતો. જયાં સૌ પ્રથમ તેને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. અને લાખાભાઈનું મોઢુ દબાવી બળજબરીપુર્વક જંતુનાશક દવાનું ડબલુ લઈ દવા પીવડાવી હતી. આ ઉપરાંત રાજેશ માણસુરભાઈ મામૈયા, મુકેશ નરસીંગભાઈ મામૈયા, રવુ ખીમાભાઈ મામૈયા, ભાવેશ રતાભાઈ મામૈયા, વિપુલ સામતભાઈ મામૈયા અને લાખા દિનેશભાઈ મામૈયાએ એક સંપ કરી બાઈકમાં બાંધેલી દોરી લઈ ગળેટુંપો દઈ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા જ પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. જેલવાસ ભોગવતા આ આરોપીઓમાંથી મુકેશ નરસીંગભાઈ મામૈયાને નામદાર કોર્ટે તા. 21 થી 23 જુલાઈ સુધીના 3 દિવસના વચગાળાના જામીન પર મુકત કર્યો હતો. જેમાં તેણે તા. 24 જુલાઈના રોજ જેલમાં હાજર થવાનું હતુ. પરંતુ તે હાજર થવાના બદલે ફરાર થઈ ગયો હતો. ત્યારે સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડના દશરથભાઈ, દેવરાજભાઈ, સંજયભાઈ સહિતનાઓને આ શખ્સ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના રામાળીયા ગામે તેના ઘરે હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે તેને ઝડપી લઈ સુરેન્દ્રનગર સબ જેલ હવાલે કર્યો છે.


  • Follow us on: