સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પંથકના પ્રાંત અધિકારી સાથે ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન રોકવાની કામગીરી કરતા રેવન્યુ તલાટી બાઈક લઈને રેતી ખાલી કરી ફરાર થતા ડમ્પરનો પીછો કરતા હતા. ત્યારે કાર ચાલકે કાર બાઈક સાથે મારી નાંખવાના ઈરાદે અથડાવી ઈજા પહોંચાડયાની પોલીસ ફરિયાદ ચોટીલા પોલીસ મથકે નોંધાઈ છે. ચોટીલા પોલીસે બનાવ અંગે ગુનો નોંધ્યો છે.


સાયલાના ધાંધલપુર ગામે રહેતા 30 વર્ષીય વિજયભાઈ ભીમાભાઈ સાકરીયા રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવે છે. હાલ તેઓ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા સાથે ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન રોકવાની કામગીરી કરે છે. ગત તા. 12મી ઓગસ્ટના રોજ રાત્રે તેઓ પેટ્રોલિંગ કરીને કચેરીએ પહોંચ્યા હતા. આ સમયે બે શખ્સોએ આવી નાયબ કલેકટર વિશે પુછતાછ કરતા વિજયભાઈએ કાલ સવારે 10 વાગે તેઓ મળશે તેમ કહેતા બન્ને જતા રહ્યા હતા. આ બન્ને નાયબ કલેકટરની રેકી કરતા હોવાની શંકા જતા વિજયભાઈ બાઈક લઈને તેમની પાછળ ગયા હતા. પરંતુ તેઓ રાજકોટ બાજુ જતા રહ્યા હતા. બાદમાં વિજયભાઈ બાઈક લઈને ચોટીલા-સાયલા હાઈવે પર ગેરકાયદેસર ખનીજ વહનની તપાસમાં નીકળ્યા હતા. જેમાં એક રેતી ભરેલ ડમ્પર નજરે પડયુ હતુ. આ ડમ્પરના ચાલક વિજયભાઈને જોઈ જતા જીયોના પેટ્રોલપંપ પાસે ડમ્પર પાર્ક કરી દીધુ હતુ. આ સમયે એક કાળા કલરની ઈનોવા કાર આવી હતી. અને ડમ્પર ચાલક ડમ્પર ચાલુ કરીને પેટ્રોલપંપની પાછળ રેતી ખાલી કરીને પુરઝડપે ચોટીલા તરફ રોંગ સાઈડમાં નીકળ્યો હતો. આથી વિજયભાઈ બાઈક લઈને તેની પાછળ જતા કાળા કલરની ઈનોવા કાર તેમની પાસે આવી હતી. કારમાં 4 લોકો સવાર હતા. અને કારની ખાલી સાઈડ ડ્રાઈવર પાસે બેસેલા માણસે આ પ્રાંત કચેરીવાળો વિજય સાકરીયા છે. આજે તેને પુરો કરી નાંખવો છે. તેમ કહી બાઈક સાથે કાર અથડાવતા વિજયભાઈ બાઈક સહિત વાડમાં પડી ગયા હતા અને તેઓને ઈજાઓ પહોંચી હતી. વિજયભાઈએ તેમના કેમેરામાં કેમેરો ઈન્સ્ટોલ કરાવેલ હોઈ તેના ફુટેજ જોતા અને તપાસ કારમાં આગળ બેસેલ વસ્તડીનો મહેશ ઉર્ફે સોંડા ઘનશ્યામભાઈ રૂદાતલા અને નટવરસીંહ ઉર્ફે નટુભા વજુભા ગોહિલ હોવાનું સામે આવ્યુ હતુ. આથી આ અંગે વિજયભાઈએ ચોટીલા પોલીસ મથકે હત્યાની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીઆઈ આર.એમ.સંગાડા ચલાવી રહ્યા છે.


  • Follow us on: