કચ્છના નાના રણમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 4,953 ચો.કી. વિસ્તારમાં ઘુડખર અભયારણ્ય આવેલુ છે. સહેલાણીઓ માટે આ અભયારણ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યુ છે. ત્યારે આ વર્ષે તા. 16 ઓકટોબરના બદલે એક સપ્તાહ વહેલુ તા. 7 ઓકટોબરથી અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકી દેવાયુ છે. ગત વર્ષે અભિયારણ્યની 12 હજારથી વધુ સહેલાણીઓએ મુલાકાત લીધી હતી. જેમાં તંત્રને રૂ. 23 લાખથી વધુની આવક થઈ હતી.


કચ્છનું નાનુ રણ કચ્છ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પથરાયેલુ છે. કચ્છના નાના રણમાં આવેલ ઘુડખર અભયારણ્ય એક આરક્ષીત પ્રદેશ છે. અહીં એશિયામાં કયાંય જોવા ન મળતા ઘુડખર જોવા મળે છે. ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઈન અંતર્ગત સદીના મહાનાયક એવા અમીતાભ બચ્ચને આ સ્થળે શુટીંગ કર્યા બાદ અભયારણ્યના પ્રવાસીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. ચોમાસામાં ઘુડખરોનો બ્રીડીંગ સમય હોઈ અભયારણ્ય પ્રવાસીઓ માટે ગત જુન માસથી બંધ કરવામાં આવી દેવાયુ હતુ. આ અંગે ઘુડખર અભયારણ્યના નાયબ વન સંરક્ષક ભરતભાઈ પટેલે જણાવ્યુ કે, તા. 16મી જુનથી તા. 15મી ઓકટોબર સુધી એમ 4 માસ દરમિયાન અભિયારણ્યમાં પ્રવાસીઓને પ્રવેશ અપાતો નથી. ઘુડખરોનો બ્રીડીંગ સમય હોઈ તેઓને ખલેલ ન પડે તે માટે દર વર્ષે 4 માસ પ્રવાસીઓ માટે પ્રવેશ નિષેધ કરવામાં આવે છે. રણમાં આવતા પ્રવાસીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. જેમાં વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ શિયાળામાં વિદેશી પક્ષીઓ પણ અભયારણ્યમાં મોટી સંખ્યામાં આવે છે. જે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ગત વર્ષે અભયારણ્યની મુલાકાતે 12 હજારથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. જેમાં વન વિભાગને રૂ. 23 લાખથી વધુની આવક થઈ હતી. દર વર્ષે 15 ઓકટોબરે ખુલ્લુ મુકવામાં આવતુ અભયારણ્ય આ વર્ષે 7 ઓકટોબરથી જ ખુલ્લુ મુકી દેવાયુ છે. જે આગામી જુન માસ સુધી ખુલ્લુ રહેશે. આથી ફરી પ્રવાસીઓ રાબેતા મુજબ અભિયારણ્યની મુલાકાત કરી શકશે. આ ઉપરાંત વન વિભાગ દ્વારા વન્ય જીવોના સંરક્ષણ બાબતે નિયમિત અંતરે શિબિર કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને આ અંગે માહીતી અપાતી હોય છે.


  • Follow us on: