વઢવાણમાં જમીનના ભાગ બાબતનું મનદુઃખ રાખીને 85 વર્ષના વૃધ્ધ અને તેમના પુત્રને અન્ય પુત્ર અને પૌત્રએ માર માર્યાની ફરિયાદ વઢવાણ પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મુળ વઢવાણ તાલુકાના દેદાદરા ગામના 85 વર્ષીય ગજુભા લાલુભા ઝાલા હાલ સુરેન્દ્રનગરના મેઘાણીબાગ રોડ પર રહે છે. તેમને સંતાનમાં 3 દિકરાઓ દોલતસીંહ, દિનેશસીંહ અને આનંદસીંહ છે. ગજુભાએ પોતાની જમીન ત્રણેય દિકરાઓમાં સરખા ભાગે વહેચી દીધી હતી. જેમાં આનંદસીંહની જમીન દિનેશસીંહ વાવતા હતા અને ઉપજ પણ તેઓ રાખતા હતા.
ગત વર્ષે આનંદસીંહે પોતાની જમીન વાવવા માટે માંગતા દિનેશસીંહે ન આપતા લેન્ડ ગ્રેબીંગ હેઠળ કાર્યવાહી કરીને આનંદસીંહે પોતાની જમીન પરત લીધી હતી. આ બાબતે બન્ને વચ્ચે મનદુઃખ હતુ. તા. 28 જુલાઈના રોજ સાંજે ગજુભા અને આનંદસીંહ દેદાદરા ગયા હતા. અને તેમની માલીકીના પ્લોટ, મકાન અને વાડાની માપણી કરતા હતા. આ સમયે દિનેશસીંહ ગજુભા ઝાલા અને તેમનો પુત્ર કૃષ્ણકુમારસીંહ ઉર્ફે કાનભા દિનેશસીંહ ઝાલા આવ્યા હતા. અને કોઈ વસ્તુના ભાગ પડશે નહી અને પડશે તો આનંદસીંહના ખેતરના પહેલા ભાગ પડશે તેમ કહી બોલાચાલી કરી હતી અને બન્નેએ ગજુભા તથા આનંદસીંહને છોરીયાના હાથા અને લોખંડના પાઈપ વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેમાં બન્ને પિતા-પુત્રને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ અંગે વઢવાણ પોલીસ મથકે દિનેશસીંહ અને તેમના દિકરા કૃષ્ણકુમારસીંહ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ એ.કે.રાઠોડ ચલાવી રહ્યા છે.