સુરેન્દ્રનગર શહેર ખાતેની સબ જેલમાં મંગળવારે મોડી સાંજે એસઓજી અને જેલ સ્ટાફે સંયુકત ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં 3 બેરેકના 272 કેદીઓની તપાસ કરાઈ હતી. જેમાં બેરેકના બાથરૂમ ઉપરથી પ્રતીબંધીત 2 મોબાઈલ અને ચાર્જર મળી આવ્યુ હતુ. આ બનાવમાં અજાણ્યા શખ્સો સામે શહેરના એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
સુરેન્દ્રનગરની સબ જેલમાં અવારનવાર ચેકીંગ કરવામાં આવે છે. જેમાં કેદીઓ પાસેથી પ્રતીબંધીત વસ્તુઓ મળી આવે છે. ત્યારે ફરી સબ જેલમાં કેદીઓની તપાસ કરાઈ હતી. ગત તા. 7-10ના રોજ રાત્રે 8 કલાક બાદ સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ બી.એચ.શીંગરખીયાની સુચનાથી સ્ટાફ અને સબ જેલર જી.આર.વણઝારાની સુચનાથી જેલ સ્ટાફે સંયુકત રીતે જેલમાં ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં જેલની બેરેક નંબર 1 થી 3માં રહીને સજા ભોગવતા 272 કેદીઓની તપાસ કરાઈ હતી. આ બેરેકમાં આવેલ બાથરૂમ ઉપરથી 2 મોબાઈલ અને 1 ચાર્જર મળી આવ્યુ હતુ. જેમાં રૂ. 1 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે કેદી અધીનીયમ મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ અંગે વધુ તપાસ પીએસઆઈ બી.કે.મારૂડા ચલાવી રહ્યા છે. સુરેન્દ્રનગર સબ જેલમાં અવારનવાર કેદીઓ પાસેથી પ્રતિબંધીત વસ્તુઓ મળી આવે છે અને પોલીસ ફરિયાદ થાય છે. પરંતુ બાદમાં કોઈ તથ્ય સામે આવતુ નથી. ત્યારે આ કેસમાં કેદીઓની કોની મદદથી આ મોબાઈલ અને ચાર્જર મળ્યા. તે અંગે ઉંડાણપુર્વક તપાસ થાય તે જરૂરી છે.










