વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે આવેલ પ્રાથમીક શાળામાં ધો. 1થી 8ના 125થી વધુ છાત્રો અભ્યાસ કરે છે. વર્ષ 1998માં બનેલ આ શાળાના 12માંથી 10 રૂમ હાલ જર્જરીત બની જતા તેમાં અભ્યાસ બંધ કરાવાયો છે. અને છેલ્લા 2 માસથી શાળામાં એક પાળીને બદલે બે પાળી કરી દેવાઈ છે. ત્યારે તાકીદે કોઠારીયામાં નવી પ્રાથમીક શાળા બને તેવી લોકમાંગ ઉઠી છે.


વઢવાણ-લખતર રોડ પર કોઠારીયા ગામ આવેલુ છે. ગામની પ્રાથમીક શાળામાં હાલ ધો. 1 થી 8માં 125થી વધુ છાત્રો અભ્યાસ કરે છે. પ્રાથમીક શાળાની ઈમારત વર્ષ 1998માં બનાવાઈ હતી. જેનું તત્કાલીન શિક્ષણમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ઉદ્દઘાટન થયુ હતુ. ત્યારે હાલ શાળાના 12 ઓરડામાંથી 10 ઓરડા જર્જરીત થઈ ગયા છે. જેના લીધે શાળામાં એક પાળીને બદલે 2 પાળી બનાવાઈ છે. શાળા નજીક 5 વર્ષ પહેલા 2 ઓરડા નવા બનાવાયા હતા. જેમાં હાલ ધો. 1થી 8ના છાત્રોને 2 પાળીમાં અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે. જર્જરીત શાળાના 12માંથી 2 જ રૂમ સારા છે. જયારે બીજા 10 રૂમોમાં ઠેરઠેર છતમાંથી પોપડા પડે છે. અને દિવાલો તથા ફલોરીંગમાં તીરાડો પડી ગઈ છે.

આ અંગે શાળાના આચાર્ય રાજેશભાઈ પટેલે જણાવ્યુ કે, ગત ચોમાસાની શરૂઆતમાં શાળા વધુ જર્જરીત થઈ હતી. સમગ્ર રાજયની બીસમાર શાળાઓ અંગે માહીતી મંગાવાઈ હતી. જેમાં કોઠારીયા શાળાની જર્જરીત સ્થીતી અંગે જિલ્લાકક્ષાએ રીપોર્ટ કરાયો હતો. અને વડી કચેરીની સુચનાથી એક પાળીની બે પાળી કરીને હાલ અભ્યાસ કરાવાઈ રહ્યો છે. આ અંગે કોઠારીયા ગામના કાનજીભાઈ કોઠારીયા સહિતનાઓએ જણાવ્યુ કે, શાળાના રૂમમાં છતમાંથી ઠેર ઠેર લોખંડના સળીયા દેખાય છે અને પોપડા ઉખડે છે. તાકીદે કોઠારીયામાં નવી શાળા બનાવવામા આવે તેવી અમારી માંગણી છે.


  • Follow us on: