દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામે પે. સેન્ટર શાળા આવેલી છે. શાળામાં મંગળવારે સવારે શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ થયુ હતુ. ત્યારે એક કલાસરૂમમાં અચાનક છતમાંથી પંખો નીચે પડયો હતો. જેના લીધે બે છાત્રોને ઈજાઓ થતા સારવાર માટે વિરમગામ શહેરની શિવ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં પીપલોદી સરકારી સ્કુલમાં પ્રાર્થના સમયે જ શાળાની છત તુટી પડવાની ઘટના હજુ તાજી જ છે. આ ઘટનામાં 7 વિદ્યાર્થીઓના મોત થયા હતા. ત્યારે તા. 29મીને મંગળવારે ગુજરાતના ઝાલાવાડમાં શાળાની છતમાંથી પંખો તુટી પડવાની ઘટના બની છે. સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય પથકોમાં આવેલી સરકારી શાળાઓની સ્થિતિ દયનીય છે. પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા તાયફાઓ કરી કરોડો રૂપિયાનું આંધણ કરતી સરકાર અને તંત્રવાહકો સરકારી શાળાઓમાં ભૌતીક સુવિધાઓ પુરી પાડવા તરફ દુર્લક્ષ સેવે છે. ત્યારે દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામે આવેલ સરકારી પ્રાથમીક શાળામાં છતમાંથી સીલીંગ ફેન તુટી પડવાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે.










