સુરેન્દ્રનગર મહાનગર પાલીકામાં વઢવાણ તાલુકાના મુળચંદ ગામનો સમાવેશ કરાયો છે. ત્યારે છેલ્લા 1 માસ કરતા વધુ સમયથી ગામના તળાવમાં ગંદુ પાણી ઠલવવામાં આવતા કપડા ધોવા, ન્હાવા, પશુઓને પાણી પીવડાવવામાં સમસ્યા ઉભી થઈ હોવાથી મહિલાઓમાં રોષ ફેલાયો હતો. અને શુક્રવારે મોડી સાંજે મહિલાઓએ પાલીકા કચેરીમાં ઉગ્ર રજુઆતો કરી હતી.


વર્તમાન વર્ષ 2025ની 1 જાન્યુઆરીએ સુરેન્દ્રનગર મહાનગરપાલીકા ઘોષીત થઈ છે. ત્યારબાદ મહાનગરપાલીકામાં માળોદ, મુળચંદ, ખમીસાણા, ખેરાળી અને ચમારજ ગામોનો સમાવેશ કરાયો છે. પરંતુ આ ગામોનો મહાનગરપાલીકામાં સમાવેશ થયા બાદ પણ પ્રાથમીક સુવિધાથી વંચીત હોવાની અવારનવાર રાવ ઉઠે છે. પીવાના પાણી, લાઈટો, સફાઈ સહિતની સુવિધાઓ ન મળતા આ પાંચેય ગામોના લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે મહાનગરપાલીકામાં સમાવીષ્ટ મુળચંદ ગામના તળાવમાં છેલ્લા 1 માસ કરતા વધુ સમયથી ગટરના ગંદા પાણી ઠાલવવામાં આવી રહ્યા છે. જેને લઈને ગામના તળાવમાં ન્હાવામાં, કપડા ધોવામાં, પશુઓને પાણી પીવડાવવામાં તકલીફ પડી રહી છે. ગામમાં તળાવ એક માત્ર પાણીનો સ્ત્રોત છે. ત્યારે તેમાં ગંદુ પાણી છોડાતા મહિલાઓમાં રોષ ફેલાયો છે. ગામમાં પીવાનું પાણી પણ નળ વાટે આવતુ નથી. અને પાણીના ટેન્કરો ગામમાં દોડાવવામાં આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્ર પરમાર, રણજીતસીંહ ઝાલા સહિતનાઓની આગેવાનીમાં મહિલાઓ શુક્રવારે મોડી સાંજે મહાનગરપાલીકા કચેરીએ રજુઆત કરવા પહોંચી હતી. ત્યારે મનપાના અધીકારીઓએ રજુઆત કરવા માટે સોમવાર અને ગુરૂવારે જ આવવાનુ તેમ ઉડાઉ જવાબ આપતા મહિલાઓમાં રોષ ફેલાયો હતો. અને મહિલાઓએ કચેરીમાં જ અન્નજળનો ત્યાગ કરીને બેસી જઈ રામધુન બોલાવી હતી. આથી મહાનગરપાલીકાના અધીકારીઓને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જેમાં એ ડીવીઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી. અને અંદાજે 2 કલાકની સમજાવટ બાદ અંતે મામલો થાળે પડયો હતો.


  • Follow us on: