મૂળી તાલુકાના સડલા ગામની સીમમાં મોટાપાયે ખનીજ ચોરી થતી જગ્યાએ ચોટીલા ડેપ્યુટી કલેકટર દ્વારા રેડ કરી સરકારી જમીનમાંથી માટી ચોરીનું કૌભાંડ ઝડપી 51 લાખ રૂપીયાનો મુદમાલ જપ્ત કર્યો હતો.જ્યારે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર દ્વારા હાઇવે ઉપરથી વિવિધ ગેરકાયદેસર ખનીજની 4 ટ્રકો ઝડપી લેતા ફફળાટ વ્યાપી ગયેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજચોરી અટકાવવા કલેકટર રાજેન્દ્ર પટેલ દ્વારા કડક આદેશ અપાયા છે.ત્યારે ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા ચોટીલા ડીવીઝનમાં ગેરકાયદેસર ખનીજચોરી કે ગેરકાયદેસર પ્રવૃતી ઉપર સતત તવાઇ બોલાવી રહયા છે.એવામાં મુળીના સડલા ગામની સીમમાં સરકારી જમીનમાં મોટાપાયે ખનીજચોરી ચાલતી જગ્યાએ રેડ કરતા સફેદ માટીની ખનીજચોરી ઝડપી લઇ એક લોડર,એક ડમ્પર અને એક બાઇક મળી કુલ 51 લાખ રૂપીયાનો મુદમાલ જપ્ત કર્યો હતો.આ બાબતની ડેપ્યુટી કલેકટર દ્વારા પ્રાથમીક પુછપરછ તપાસ દરમ્યાન આ ગેરકાયદેસર માટીના જથ્થાનો સંગહ હીરાભાઇ સામળભાઇ રોજીયા રહે.કળમાદ વાળા કરતા હોવાથી એમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે.










