રતનપરના યુવાને પાંચ વર્ષ પહેલા માતાની બીમારીના લીધે રાજકોટના 2 શખ્સો પાસેથી મીત્રતાના નાતે ઉછીના રૂપીયા લીધા હતા. આ રૂપીયા પરત લેવા માટે બન્ને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોવાની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.


રતનપરની અવધેશ્વર સોસાયટીમાં 40 વર્ષીય દીપેશ રસીકલાલ પાટડીયા રહે છે. તેઓ મેગામોલમાં આવેલ જે.એમ.ફાઈનાન્સ કંપનીમાં પટ્ટાવાળા તરીકે કામ કરે છે. પાંચેક વર્ષ પહેલા તેમના માતા જોશનાબેનને કીડની, ફેફસા અને બાયપાસની સારવાર કરાવવાની હોઈ, આર્થીક પરીસ્થીતી સારી ન હોવાથી રાજકોટ રહેતા પ્રજ્ઞેશ કીશોરભાઈ ગોહીલ પાસેથી 2.25 લાખ અને ભાવેશ માખેલા પાસેથી રૂપીયા 1.70 લાખ મીત્રતાના નાતે ઉછીના લીધા હતા. અને પૈસાની સગવડ થયે પૈસા આપી દેવાનું જણાવ્યુ હતુ. જેમાં પ્રજ્ઞેશને અત્યાર સુધીમાં 80 હજાર અને ભાવેશને 35 હજાર આપી દીધા હતા. છેલ્લા એક-દોઢ વર્ષથી દીપેશભાઈ પૈસા ન આપી શકતા બન્ને ઉઘરાણી કરતા હતા. અને બન્નેએ નોટરી પાસે રૂપીયા 5 લાખ બાકી છે, તેવુ લખાણ કરાવી બળજબરી પુર્વક સહી કરાવી હતી અને કોરા ચેક લઈ લીધા હતા. જયારે નાણા ન આપે તો ઝીણા ઝીણા કટકા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે જોરાવરનગર પોલીસ મથકે બન્ને સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ સી.ડી.પીઠીયા ચલાવી રહ્યા છે.


  • Follow us on: