સુરેન્દ્રનગરના થાનગઢમાં સફેદ માટીની ચોરીનો મામલો સામે આવતા ખાણ-ખનીજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વિસ્તારમાં ગેરકાયદે ખનન થતું હોવાની વિગતોના આધારે વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન સફેદ માટીનું ગેરકાયદે ખોદકામ ઝડપાયું હતું. ખનીજ ચોરી સામે વિભાગની આ કાર્યવાહીને પગલે ગેરકાયદે ખનન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

હિટાચી, ડમ્પર, ટ્રેક્ટર સહિતનો સામાન જપ્ત

દરોડા દરમિયાન ખાણ-ખનીજ વિભાગે ગેરકાયદે ખનન માટે ઉપયોગમાં લેવાતું 1 હિટાચી મશીન અને 1 ડમ્પર જપ્ત કર્યું હતું. આ ઉપરાંત 1 ટ્રેક્ટર અને જનરેટર સહિત અંદાજે રૂ. 90 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ સમગ્ર ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં 4 શખ્સોની સંડોવણી હોવાની વિગતો સામે આવી છે.

ખોદકામની માપણી બાદ વધુ કાર્યવાહી થશે

હાલ ખાણ-ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરાયેલા સાધનો અને ગેરકાયદે ખનનના સ્થળને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ખોદકામ કરવામાં આવેલા વિસ્તારની સત્તાવાર માપણી કરવામાં આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હવે તપાસમાં કેટલા પ્રમાણમાં સફેદ માટીની ચોરી થઈ છે અને તેની પાછળ કોણ-કોણ જવાબદાર છે તે બહાર આવશે.

આ પણ વાંચો : Ahmedabad News : ઉદ્ઘાટનના મહિનામાં જ બ્રિજની પોલ ખૂલી! સરખેજ-ઇસ્કોન બ્રિજના 4થી વધુ પિલ્લરમાં તિરાડો, સળિયા દેખાતા ભ્રષ્ટાચારની બૂમ