તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના વડપાડા ગામની સીમમાં સુરત-ધુલિયા નેશનલ હાઈવે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં દંપતીનું કરૂણ મોત નિપજ્યું છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક સીએનજી ટેમ્પાના ચાલકે હાઇવે પર ઊભેલી ટ્રકની પાછળ પોતાનો ટેમ્પો ધડાકાભેર ભટકાવી દીધો હતો.
સુરત-ધુલિયા નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉચ્છલથી પસાર થતા નેશનલ હાઇવે પર વડપાડા ગામની સીમમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. સીએનજી ટેમ્પાના ચાલકે રોડ પર ઊભેલી એક ટ્રકની પાછળ પોતાનો ટેમ્પો જોરદાર રીતે અથડાવ્યો હતો, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં ટેમ્પામાં સવાર ચાલક હરીશ કોંકણી અને તેમના પત્ની લતાબેન કોંકણીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક દંપતી મહારાષ્ટ્રના નવાપુર ખાતે શાકભાજી લેવા માટે જઈ રહ્યું હતું, ત્યારે માર્ગમાં જ કાળ ભેટી ગયો હતો.










