થાનમાં આવેલ સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર સસ્તા અનાજના જથ્થાનો કારો કારોબાર કરતા હોવાની માહિતી મળતા નાયબ કલેકટરે વોચ રાખી હતી. જેમાં દુકાનમાંથી રિક્ષામા જથ્થો રવાના કરાયો હતો. જયારે દુકાનમાં રજીસ્ટર ચેક કરતા અનાજની ઘટ આવી હતી. આથી તંત્રે સસ્તા અનાજની આ દુકાન સીલ મારી દીધી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં જરિયાતમંદોને મળતા સસ્તા અનાજનો વેપલો અવારનવાર સામે આવે છે. સુરેન્દ્રનગર શહેરમાં થોડા દિવસોમાં બે વખત રિક્ષામાં લઈ જવાતો જથ્થો જપ્ત કરાયો છે. ત્યારે થાનમાં આવો બનતા બનતા દુકાન જ સીલ કરી દેવાઈ છે. મળતી માહિતી મુજબ ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણાની ટીમને થાનમાં રેલવે લાઈન સામે આવેલ સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં અનાજની ગોલમાલ થતી હોવાનું ધ્યાને આવતા તા. 24 અને 25 જુને વોચ રાખી હતી. જેમાં 25જુને વહેલી સવારના સમયે દુકાનમાંથી એક પીકઅપ વાનમાં અનાજ ભરીને લઈ જવાતુ હોવાનું ધ્યાને આવતા તંત્રે અટકાવવાની કોશીષ કરતા લક મોતીભાઈ પ્રજાપતી પુરપાટ ઝડપે વાહન ચલાવી ફરાર થઈ ગયો હતો. જયારે દુકાનના સંચાલક વિજય લાલજીભાઈ પરમારને પુછતા પીકઅપમાં 35 ઘઉંના અને 15 ચોખાના કટ્ટા હોવાનું જણાવ્યુ હતુ. જયારે વિજય પરમારની સસ્તા અનાજની દુકાને તપાસ કરતા તેમાં 14 અનાજના કટ્ટાની ઘટ આવી હતી. આથી સરકારી અનાજનો જથ્થો પીકઅપમાં મોકલી કાળા બજારી કરી ખુલ્લા બજારમાં મોટી રકમે વેચવા અને સગેવગે કરવા સબબ તંત્રે સસ્તા અનાજની દુકાન સીલ મારી દીધી હતી. અને સંચાલક સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી છે.










