અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની યોજનામાં થયેલા કૌભાંડનો પર્દાફાશ કરનાર એક વ્યક્તિની હત્યા કરાયેલ લાશ થરાદ નજીકની મુખ્ય કેનાલમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મૃતદેહના પોસ્ટમોર્ટમ (પીએમ) રિપોર્ટમાં આ હત્યાનો ભેદ ખૂલ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશને કેનાલમાં ફેંકવામાં આવી હતી. મૃતક વ્યક્તિનું નામ રસિકભાઈ પરમાર છે, જેઓ ચાંદખેડા, અમદાવાદના રહેવાસી હતા. રસિકભાઈની હત્યા પાછળનું મુખ્ય કારણ તેમના દ્વારા કરવામાં આવેલી એક મોટી રજૂઆત હોવાનું સામે આવ્યું છે.
હત્યાનું કારણ AMCનો બોગસ કાંડ
રસિકભાઈ પરમારે AMC સ્લમ રી-ડેવલપમેન્ટ 2013 યોજના હેઠળના મકાનો અને દુકાનોના ડ્રોમાં લાભાર્થીઓના બોગસ ડોક્યુમેન્ટ બનાવીને બોગસ કાંડ આચરવામાં આવ્યો હોવાની ગંભીર રજૂઆતો કરી હતી. તેમણે આ કૌભાંડ મામલે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, કલેક્ટર અમદાવાદ અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ કરી હતી.
મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાતા હત્યા થયાનો ખુલાસો
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ જ બોગસ કાંડના આરોપીઓ દ્વારા રસિકભાઈની હત્યા કરવામાં આવી છે. આ આરોપીઓનાં નામ છે. રાજુ કરાટે (રહે. ચાંદખેડા, અમદાવાદ), કમલેશ સોલંકી (રહે. ચાંદખેડા, અમદાવાદ). મૃતક રસિકભાઈ પરમારના પરિવારે થરાદ પોલીસ મથકે પહોંચીને રાજુ કરાટે અને કમલેશ સોલંકી વિરુદ્ધ હત્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે, બોગસ કાંડની રજૂઆત કરવા બદલ જ આ આરોપીઓએ રસિકભાઈની હત્યા કરી છે. થરાદ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તાત્કાલિક ધોરણે વધુ તપાસ હાથ ધરી છે. આ હત્યામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા અને સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવથી રાજ્યના વહીવટી તંત્રમાં ચાલતા કૌભાંડોની ગંભીરતા અને તેના પરિણામો સામે આવ્યા છે.