વાવ-થરાદ પંથકમાં રખડતા પશુઓનો ત્રાસ હવે કેટલોઘાતક બની રહ્યો છે તેનું વધુ એક કમકમાટીભર્યું ઉદાહરણ થરાદ નજીકથી સામે આવ્યું છે. ગત મોડી રાત્રે ભારતમાલા હાઇવે પર પૂરઝડપે જઈ રહેલી રેન્જ રોવર કારની આગળ અચાનક એક આખલો આવી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવર કંઈ સમજે કે બ્રેક મારે તે પહેલાં જ કાર ધડાકાભેર પશુ સાથે અથડાઈ હતી અને આ ટક્કર એટલી ભીષણ હતી કે કરોડો રૂપિયાની કિંમતી રેન્જ રોવર કારના આગળના ભાગનો સંપૂર્ણ ભુક્કો બોલી ગયો હતો. હાઇવે પરની આ ગોઝારી ઘટનાએ રાત્રિના સમયે મુસાફરી કરતા વાહનચાલકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

ઘટનાસ્થળે બે યુવકોના કમકમાટીભર્યા મોત અને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

આ ભયાનક અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કારમાં સવાર મુસાફરો પૈકી 2 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ૧ વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતકોના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક્સપ્રેસ હાઇવે પર સેફ્ટીના દાવા પોકળ

એક તરફ સરકાર અને તંત્ર દ્વારા હાઇવે સેફ્ટી અને સ્પીડ કંટ્રોલના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. બેકાબૂ બનતા જતા વાહનવ્યવહાર અને હાઇવે પર અડિંગો જમાવીને બેસતા રખડતા પશુઓના કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાયા હોવા છતાં તંત્ર દ્વારા પશુઓને હાઇવે પરથી દૂર કરવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આ ઘટના બાદ સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને હવે પ્રશ્ન એ થાય છે કે આવા અકસ્માતો અટકાવવા માટે તંત્ર ક્યારે જાગશે?

આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાત હાઈકોર્ટમાં આવી ગઈ મોટી ભરતી! જાણો કયા પદો માટે અને ક્યારથી ભરાશે ફોર્મ?