થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરચૌધરીના વરદ હસ્તે શહેરી વિસ્તારની પ્રજા સાથે નૂતન નવા વર્ષનું સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા અને મુસ્લિમ સમાજ સહિત મહિલાઓએ અધ્યક્ષને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
શંકર ચૌધરીના હસ્તે નૂતન વર્ષ સ્નેહમિલન
સ્નેહમિલન કાર્યક્રમમાં શંકર ચૌધરીએ નગરના વિકાસના કામો અને સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને ચોમાસા દરમિયાન શહેરમાં થયેલા કાર્યો વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવાયા હતા. શહેરમાં રોગચાળો ન ફેલાય તેની ચિંતા વ્યક્ત કરીને, તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદારોને થરાદ બોલાવી તાત્કાલિક ધોરણે શહેરની સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી હતી. તેમણે કહ્યું કે ગાંધીનગરથી થરાદ આવીને આ કામગીરી સંભાળવી એ તેમની ફરજ બને છે.










