કેન્દ્રીય બજેટ 2026ને એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગ જગતે ઉમળકાભેર આવકાર્યું છે. અંકલેશ્વર અને ભરૂચના ઉદ્યોગપતિઓના મતે, આ બજેટ ખાસ કરીને એમ.એસ.એમ.ઈ (MSME) ક્ષેત્રને સશક્ત બનાવનારું છે. ઉદ્યોગપતિ વાલમજી દેસાઈએ જણાવ્યું હતું કે, અમેરિકા સાથેના વૈશ્વિક ટ્રેડ વોર વચ્ચે આ બજેટ ભારતીય ઉદ્યોગો માટે 'બુસ્ટર ડોઝ' સાબિત થશે. ખાસ કરીને કેમિકલ અને ફાર્મા ઉદ્યોગો માટે બજેટની જોગવાઈઓ અત્યંત આશાવાદી છે, જે વૈશ્વિક બજારમાં ભારતની પકડ મજબૂત કરવામાં મદદરૂપ થશે.

ઉદ્યોગો માટે આશાવાદી બજેટ

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ મહેશ પટેલે આ બજેટને 'વર્ષ 2047ના વિઝન' સમાન ગણાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓમાં વધારો થવાને કારણે માલસામાનની હેરફેર ઝડપી અને સસ્તી બનશે, જેનો સીધો લાભ સ્થાનિક ઉત્પાદકોને મળશે. રાષ્ટ્ર વિકાસની ભાવના સાથે રજૂ કરાયેલ આ બજેટ દેશની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. એકંદરે, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો આ બજેટને આત્મનિર્ભર ભારત તરફનું એક મજબૂત કદમ માની રહ્યા છે.