મસાલાના ઉત્પાદન અને નિકાસ માટે જાણીતા ઊંઝા વિસ્તારમાં એક મોટી ચોરીનો બનાવ સામે આવ્યો છે. ઊંઝા-બ્રાહ્મણવાડા રોડ પર આવેલી સિન્થાઇટ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી વિદેશમાં મોકલવા માટે તૈયાર કરાયેલા જીરાના માલની રસ્તામાં જ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ચોરીમાં ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકોની સંડોવણી હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવ્યું છે.
અમેરિકા એક્સપોર્ટ થનાર માલની ચોરી
સિન્થાઇટ ઇન્ડસ્ટ્રીઝ કંપની મરી-મસાલાનું ઉત્પાદન કરીને તેને અમેરિકા સહિતના અન્ય દેશોમાં નિકાસ કરે છે. કંપનીએ કુલ ચાર કન્ટેનરોમાં જીરાનો માલ ભરીને તેને મુન્દ્રા પોર્ટ સુધી પહોંચાડવા માટે રવાના કર્યા હતા.આ માલનું પરિવહન કરવાની જવાબદારી અમયા મલ્ટી મોડલ્સ ટ્રાન્સપોર્ટ કંપની, ગાંધીધામને સોંપવામાં આવી હતી. આ ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકો નવીન નવઘનભાઇ ડાંગર અને મધુ વલીયપરમપીલ ચક્રપાની છે.
ગ્રાહકોને માલ ઓછો મળતા કૌભાંડનો પર્દાફાશ
કંપનીના મેનેજર અસીમ તેજસ્વીની ફરિયાદ મુજબ, જ્યારે વિદેશમાં ગ્રાહકોને આ માલ મળ્યો, ત્યારે તેમાં જથ્થો ઓછો આવ્યો હોવાની જાણ થઈ હતી. તપાસ કરતા એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે હાઇવે પર કન્ટેનરો ઊભા રાખી, તેમાંથી જંગી માત્રામાં જીરાની ચોરી કરવામાં આવી છે.અંદાજે 32,016 કિલોગ્રામ જીરાનો માલ ચોરી થયો હોવાનું માનવામાં આવે છે.
GPS ડેટાએ ખોલ્યો ભાંડો
ચોરીની જાણકારી મળતાં જ કંપનીના અધિકારીઓએ ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકોનો સંપર્ક કર્યો હતો. માલિકોએ ગલ્લાંતલ્લા કરીને ડ્રાઇવરો નોકરી છોડીને ભાગી ગયા હોવાનું જણાવ્યું હતું. જોકે, ફરિયાદી કંપનીએ જ્યારે ટ્રેલરોના GPS ડેટાની માંગણી કરી અને તેની તપાસ કરી, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો.GPS ડેટાએ દર્શાવ્યું કે આ ટ્રેલરો મુન્દ્રા અને કચ્છ નજીક હાઇવે પર ત્રણ કલાકથી વધુ સમય સુધી એક જ જગ્યાએ રોકાયા હતા. આ સમયગાળા દરમિયાન જ આ મોટી ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનું અનુમાન છે. ઊંઝા પોલીસે આ ગંભીર મામલે ટ્રાન્સપોર્ટ કંપનીના બે માલિકો, ટ્રેલરના ડ્રાઇવરો મહેન્દ્રસિંહ, કૈલાશસિંઘ અને ચેતનસિંઘે સહિત કુલ પાંચ લોકો સામે ફરિયાદ નોંધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.