કડવા પાટીદાર સમાજના સર્વોચ્ચ આસ્થાધામ એવા ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને નવા હોદ્દેદારો મળ્યા છે. આજરોજ ઊંઝા ખાતે યોજાયેલી સંસ્થાનની મહત્વપૂર્ણ કારોબારી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લઈને સંસ્થાનના નવા પ્રમુખ તરીકે પૂર્વ આઈએએસ (IAS) અધિકારી અને ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ એમ. એસ. પટેલ (મહેન્દ્ર પટેલ)ની વરણી કરવામાં આવી છે. આ નિર્ણય સાથે જ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના તમામ વહીવટી અને સામાજિક કાર્યોની કમાન હવે એમ. એસ. પટેલના હાથમાં સોંપાઈ છે.
કારોબારી બેઠકમાં લેવાયો નિર્ણય
ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાની કારોબારી બેઠકમાં પ્રમુખપદ ઉપરાંત અન્ય મહત્વના હોદ્દાઓ પર પણ સભ્યોની વરણી કરવામાં આવી હતી. જે અંતર્ગત પ્રથમ ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ (ખોરજ)ની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે બીજા ઉપપ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીને યથાવત રાખીને રીપીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સંસ્થાનના માનદ મંત્રી તરીકે મુકેશ એ. પટેલ (બડુ)ની બિનહરીફ વરણી કરવામાં આવી છે.
