Vadodara: વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. વડોદરાના છાણી રોડ વિસ્તારમાં તાંત્રિક દ્વારા વિધિના નામે યુવતી સાથે શારીરિક અડપલાં કરી નાણાં પડાવ્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. યુવતીના મોતના આશરે છ મહિના બાદ તેના મોબાઇલ ફોનની FSL તપાસ દરમિયાન થયેલી વોટ્સએપ ચેટથી સમગ્ર મામલો બહાર આવ્યો હોવાનું સામે આવ્યું છે.
યુવતીના શરીરમાં “ડાકણ બેઠી છે”
મળતી માહિતી મુજબ, વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં રહેતી યુવતી અવારનવાર બીમાર રહેતી હોવાથી તેનો પરિવાર સારવાર અને વિધિ માટે છાણી રોડ વિસ્તારમાં રહેતા તાંત્રિક ગિરીશ ઉર્ફે બાપુ પરમાર પાસે ગયો હતો. આરોપ છે કે તાંત્રિકે યુવતીના શરીરમાં “ડાકણ બેઠી છે” તેમ કહી વિવિધ વિધિના નામે તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા અને પરિવાર પાસેથી નાણાં પણ પડાવ્યા હતા.
