વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બનેલી ચકચારી હિટ એન્ડ રન (Hit and Run) ની ઘટનામાં હરણી પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા 21 વર્ષીય કાર ચાલક હર્ષ મેડાની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. આ ભયાનક અકસ્માતમાં કારેલીબાગ વિસ્તારમાં જ રહેતા ઋતુરાજ નામના એક આશાસ્પદ યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસ અને પોલીસના અનુમાન મુજબ અકસ્માત સમયે કારની ગતિ અંદાજે 80 કિમી પ્રતિ કલાકની ઝડપી હોવાનું સામે આવ્યું છે.
અકસ્માત બાદ હાલોલ તરફ ભાગ્યો
એસીપી (ACP) જી. બી. બાંભણીયાના જણાવ્યા અનુસાર, પકડાયેલો આરોપી હર્ષ મેડા કારેલીબાગ વિસ્તારમાં જ રહે છે અને કાર એસેસરીઝની એક દુકાનમાં નોકરી કરે છે. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી છે કે ડ્રાઇવિંગ કરતી વખતે અચાનક બ્રેક મારવાના બદલે તેનો પગ એક્સિલેટર (લીવર) પર મુકાઈ ગયો હતો, જેના કારણે કાર કાબૂ બહાર ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ તે ગભરાઈને કાર લઈને સીધો હાલોલ તરફ ભાગી છૂટ્યો હતો.
