વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલી ચિસ્તીયા નગર શાક માર્કેટ સામે ધમધમતી 'ઈન્ડિયા ગેટ ચાઈનીઝ' લારી પરથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ગ્રાહકે મંચુરિયન રાઈસનો ઓર્ડર આપ્યો હતો. રાઈસ ખાતી વખતે ગ્રાહકને તેનો સ્વાદ કંઈક અયોગ્ય લાગતાં તેમણે ડિશમાં બારીકાઈથી તપાસ કરી હતી. આ દરમિયાન મંચુરિયન રાઈસમાંથી ગરોળીનું મરેલું બચ્ચું મળી આવતાં ગ્રાહકના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.

લારીધારકે ગરોળીને કોબીજનો ટુકડો ગણાવી વાત ટાળી

મંચુરિયન રાઈસમાંથી ગરોળીનું બચ્ચું નીકળતાં આક્રોશિત ગ્રાહકે તાત્કાલિક લારીધારકનું ધ્યાન દોર્યું હતું. જોકે, પોતાની ઘોર બેદરકારી સ્વીકારવાના બદલે લારીધારકે ગરોળીને ડિશમાંથી દૂર કરી દીધી હતી અને તે ગરોળી નહીં પરંતુ 'કોબીજનો ટુકડો' હોવાનું કહીને આખી વાત ટાળવાનો પ્રયાસ કર્યો હતો. લારીધારકના આ પ્રકારના બિનજવાબદાર વલણથી ગ્રાહક અને આસપાસ એકત્ર થયેલા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.

સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં તંત્ર સામે સવાલો 

ગ્રાહક દ્વારા આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લેવામાં આવ્યો હતો, જે અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. બહાર મળતા ખાદ્યપદાર્થોમાં આવી ગંભીર બેદરકારીના કારણે પ્રજાના આરોગ્ય સાથે સીધા ચેડાં થતા હોવાના આક્ષેપ સાથે વડોદરાના નાગરિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આવી અસ્વચ્છ લારીઓ સામે સઘન ચેકિંગ હાથ ધરીને દંડાત્મક પગલાં ભરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો