વડોદરામાં સોના-ચાંદીના મોટા વેપારની આડમાં આંતરરાજ્ય છેતરપિંડીનો અત્યંત સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. વાઘોડિયા રોડ પર આવેલા અંબિકા જ્વેલર્સના સંચાલક ભાવિક સોની નામના ભેજાબાજે મુંબઈના જાણીતા જ્વેલર્સને વિશ્વાસમાં લઈ દુકાન માટે મોટા પાયે સોનાના દાગીના ખરીદવાનું નાટક રચ્યું હતું. વેપારી જ્યારે માલ આપવા વડોદરા પહોંચ્યા ત્યારે ભેજાબાજે જમવાનું બહાનું કાઢી વેપારીને છેતરીને રૂપિયા ૮.૨૮ કરોડના સોનાના દાગીના બારોબાર સગેવગે કરી નાસી છૂટ્યો હતો. આ કરોડોની ઠગાઈ અંગે બાપોદ પોલીસ મથકે ગુનો નોંધાતાં જ્વેલરી બજારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
સોનું ખરીદવાના બહાને મુંબઈના વેપારીને વડોદરા બોલાવ્યા
ઠગાઈના આ સુનિયોજિત ષડયંત્રની પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત ‘અંબિકા જ્વેલર્સ’ સાથે સંકળાયેલા ભાવિક સોનીએ મુંબઈના જ્વેલર્સ હિમાંશુ જૈનનો સંપર્ક સાધ્યો હતો.ભાવિકે પોતાની દુકાન માટે મોટા પાયે સોનાના તૈયાર ઘરેણાં ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને મોટો સોદો કરવાનું આશ્વાસન આપ્યું હતું. મોટો ઓર્ડર હોવાથી મુંબઈના વેપારી હિમાંશુ જૈન અંદાજે ₹8,28,00,000 ની કિંમતના સોનાના દાગીનાનો જથ્થો લઈને વડોદરા પહોંચ્યા હતા.
જમવાનું બહાનું કાઢી વેપારીને છેતર્યા
દુકાન પર દાગીનાની ચકાસણી અને સોદાની વાતચીત દરમિયાન ભેજાબાજ ભાવિક સોનીએ વેપારીની નજર ચૂકવીને ઠગાઈને અંજામ આપ્યો હતો.ભાવિક સોનીએ હિમાંશુ જૈનને વિશ્વાસમાં લઈ ‘હું જમીને હમણાં જ પાછો આવું છું’ તેમ કહી બહાર જવાનું બહાનું કાઢ્યું હતું. આ દરમિયાન ભાવિકની યોજના મુજબ સ્થળ પર હાજર અન્ય બે અજાણ્યા શખ્સો કરોડો રૂપિયાની કિંમતનું 8.28 કરોડનું સોનું ભરેલી બેગ/પાર્સલ લઈને પળવારમાં રફુચક્કર થઈ ગયા હતા.લાંબો સમય રાહ જોયા બાદ પણ ભાવિક સોની પરત ન ફરતાં અને તેનો સંપર્ક તૂટી જતાં વેપારીને પોતાની સાથે કરોડોની છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
બાપોદ પોલીસ મથકે ફરિયાદ, આરોપીઓને ઝડપી પાડવા ટીમો રવાના
કરોડો રૂપિયાનું સોનું લૂંટાઈ જતાં ભોગ બનનાર મુંબઈના વેપારી હિમાંશુ જૈને તાત્કાલિક બાપોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો.બાપોદ પોલીસે ભાવિક સોની તેમજ તેની સાથે સંડોવાયેલા અન્ય બે અજાણ્યા સાગરીતો વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી છે.પોલીસે અંબિકા જ્વેલર્સ તેમજ વાઘોડિયા રોડ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી આરોપીઓની ભાગવાની દિશા ટ્રેસ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આટલી મોટી રકમનું સોનું બારોબાર સગેવગે કરાયું હોવાથી શહેર ક્રાઈમ બ્રાન્ચની મદદ લઈને આરોપીઓના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે..
આ પણ વાંચો: Amreli: મહિલા મહેમાનને ખુશ કરવા વન વિભાગે આંબરડી સફારી પાર્કમાં લાયન શો યોજાયો, સરકારી વાહનના દુરુપયોગથી વનતંત્ર સામે સવાલો